
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
“એર રેઇડ”માં જવાનોના પરિવારજનોને મિલિટરી સ્ટેશન ખાતે પ્રાથમિક સારવાર બાદ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા.
આર્મી/હોમગાર્ડ બોર્ડર વિંગ કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ અંતર્ગત રૂદ્રમાતા બ્રીજ ખાતે પણ મોકડ્રિલ યોજાઈ.
“એર રેઇડ” મોકડ્રિલ વિશે પ્રાથમિક તાલીમ આપી તમામ સુરક્ષા એજન્સી તથા વહીવટી વિભાગની સેવાની કામગીરી સુનિશ્ચિત કરાઇ.
જિલ્લા વહીવટીતંત્ર કચ્છ તથા તમામ સુરક્ષા એજન્સીઓ મોકડ્રિલમાં જોડાઇ.
સંભવિત યુદ્ધ વખતે કોઈપણ હુમલાથી સ્થિતિમાં રાહત બચાવ અંગેનું માર્ગદર્શન સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે અપાયું.
ભુજ,તા-01 જૂન : કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આજે બપોરે “સ્વોર્મ ડ્રોન” હવાઇ હુમલો થતાં સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ “ઓપરેશન શિલ્ડ” અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. મિલિટરી સ્ટેશનમાં રહેણાંક ક્વાર્ટસ પર સ્વોર્મ ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઇને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ સ્વયં સેવકો અને મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તત્કાલ જી.કે જનરલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઇ હતી. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs ) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે જાહેર કરેલા મહત્વપૂર્ણ નિર્દેશ અન્વયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા – બચાવની કામગીરી માટે આ ‘ ઓપરેશન શિલ્ડ ‘ સંબંધિત મોકડ્રીલ હતી.“ઓપરેશન શિલ્ડ” હેઠળ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોકડ્રિલનું આજે કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું. જિલ્લામાં ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યાં સુધી ‘ઓપરેશન શિલ્ડ અભ્યાસ’ અન્વયે યોજાયેલી મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો. યુદ્ધ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સાંજે ૫.૧૦ કલાકે મિલિટરી સ્ટેશન ભુજ પર “સ્વોર્મ ડ્રોન” હવાઇ હુમલા અંગે એરફોર્સ સ્ટેશનથી નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ ખાતે “એર રેઇડ”નો હોટ લાઇનથી સંદેશો મળતા જ નિયંત્રકશ્રી દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરાયા હતા. ઉપરાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચકક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા. એર રેઇડ સિગ્નલ મળતા બચાવ-રાહત માટે તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મિલિટરી ક્વાર્ટસથી જવાનોના પરિવારજનોને સલામત સ્થળે પહોંચાડવા તથા જે નાગરિકો નથી પહોંચી શક્યા તેઓની સલામતી સુનિશ્ચિત કરવા હોમગાર્ડ, પોલીસ, એનસીસી તથા એનએસએસએ રાહત-બચાવની કામગીરી આરંભી ઘટના સ્થળને સિક્યોર કર્યું હતું. હવાઇ હુમલાનો સંદેશ મળતા જ રેસ્ક્યુ કામગીરી સાથે ફર્સ્ટ એઇડ પાર્ટી દ્વારા ઘટના સ્થળે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી.એર રેઇડમાં સલામત રહેલા જવાનોના પરિવારજનોને સ્થળાંતરિત કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ પરિવારજનોને આર્મી હોસ્પિટલ ખાતે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે વધુ ઘાયલને નાગરિક સંરક્ષણ દળની મદદથી તત્કાલ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ હવાઇ હુમલાના કારણે લાગેલી આગમાં ફસાયેલા જવાનો તથા પરિવારજનોને બચાવ અર્થે ફાયર ફાઇટરની ટીમે પાણીના મારા સાથે આગ બુઝાવવાની કામગીરી કરી લોકોને સલામત બહાર કાઢ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા એર રેઇડથી સલામત રહેલા નાગરિકોને ઇવેક્યુએટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે તમામ પ્રાથમિક સુવિધા ઉભી કરાઇ હતી.ઉપરાંત બોર્ડર વિસ્તારમાં હિલચાલની સૂચના કંટ્રોલ રૂમને મળતા ઇન્ડિયન આર્મીના કંટ્રોલ હેઠળ ભારતીય સેનાના જવાનો સાથે બોર્ડર વિંગના ૩૦ અને હોમગાર્ડના ૩૦ જવાનો બોર્ડર એરિયામાં જવા માટે કંટ્રોલ રૂમ ખાતે એકત્ર થઇ ભારતીય સેનાના નેતૃત્વમાં ઘટના સ્થળે જવાના રવાના થયા હતા.
આ સાથે જ મોકડ્રિલ અંર્તગત જ આર્મી/હોમગાર્ડ બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ હેઠળ રૂદ્રમાતા બ્રીજ ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઓફસાઈટ મોકડ્રિલ જિલ્લા વહીવટીતંત્ર કચ્છના દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી. જેથી સંભવિત યુદ્ધની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને હવાઇ હુમલાની સ્થિતિમાં જાનહાનીને ટાળી શકાય. આ મોકડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.આકસ્મિક યુધ્ધ, હવાઇ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતા તથા જાગૃત્તતા માટે યોજાયેલી મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોકડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને મોકડ્રિલ સિનારીયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી. મોકડ્રિલ બાદ સ્મૃતિવન ખાતે યોજાયેલ ડી-બ્રિફિંગમાં નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત નિરિક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનાર તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને કલેક્ટરશ્રી આનંદ પટેલે મોકડ્રિલ દરમિયાન મિલિટરી સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. મોકડ્રિલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ મોકડ્રીલ દરમિયાન તાલીમી સનદી અધિકારી સુશ્રી ધારીણી એમ., કર્નલશ્રી વી.કે.સિંગ, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.ડી.સરવૈયા, નાગરિક સંરક્ષણ કચેરીના મુખ્ય વોર્ડનશ્રી ચિરાગ ભટ્ટ, માર્ગ અને મકાનના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ચિરાગ ડુડિયા, ફાયર ઓફિસરશ્રી સચિન પરમાર સાથે આરોગ્યવિભાગ, હોમગાર્ડ, નગરપાલિકા, એસટી વિભાગ, પીજીવીસીએલ, આરટીઓ, રેડક્રોસ સહિત સિવિલ ડિફેન્સના વિવિધ સ્વયં સેવકો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







