
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજનાં લોકોનો વર્ષનો સૌપ્રથમ તહેવાર એટલે તેરાનો તહેવાર ગણાય છે.જ્યારે અખાત્રીજનો તહેવાર એ વર્ષનો છેલ્લો તહેવાર ગણાય છે.ત્યારે હવે અષાઢ મહિનામાં આદિવાસીઓ તેરા પર્વની ઉજવણી કરી રોપણીની શરૂઆત કરી શકે છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પાટીલ, કારબારી અને ગામનાં અગ્રણીઓ એક સાથે મળીને તેરા તહેવારની ઉજવણી માટે એક દિવસ નક્કી કરતા હોય છે.આદિવાસી સમાજના લોકો નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી (રાંધી) તેનુ શાક બનાવે છે.અને તે દિવસે પાંદડાનું મહત્વ પણ ઘણુ હોય છે.સૌપ્રથમ તો એ પાંદડા ને લાવી ઘર પર મુકવામાં આવે છે.ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય છે ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે.ત્યારબાદ શાક કે ભાજી બનાવામાં આવે છે.એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે.ત્યારબાદ જ લોકો તેને આરોગે છે.આ તેરાનાં તહેવારનાં દિવસે રાત્રે નાચવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવતો હોય છે.જેને ઠાકર્યા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.તેરાનાં દિવસથી ઠાકર્યાનૃત્ય અને પાવરીનૃત્ય ચાલુ થાય છે.તેરાના તહેવારનું ખેતીની દ્રષ્ટિએ પણ એક અનોખું મહત્વ છે.કેટલાક ખેડૂતો તો અડદ વાવ્યા વગર તેરાનો તહેવાર કરતા નથી.કારણ કે તેમનું એવુ માનવું છે કે, અડદ વાવ્યા પછી જો તેરાનો પર્વ પાળવામાં આવે તો અડદમાં રોગ લાગે છે અને પાંદડા કોહવાઈ જતા હોય છે.આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે. તેરાના પાંદડામાં કોઈ પણ દાળમાં નાખી તેઓ ખાય છે.ડાંગનાં આદિવાસી લોકોનાં તેરા તહેવારની ઉજવણી બાદ જ તેઓ ઇમારતી ઝાડ એવા સાગનાં પાંદડા તોડી શકે છે.આ સાગનાં પાંદડા ઘરકામનાં ઉપયોગમાં લેવાય છે. વરસાદથી બચવા સાગનાં પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.ડાંગ જિલ્લામાં આદિ અનાદિ કાળથી થઈ રહેલી તેરા પર્વની ઉજવણી આજે પણ ગામડાઓમાં અકબંધ જોવા મળે છે..





