ભરૂચ: જિલ્લા ગ્રામપંચાયત ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, કાઉન્ટડાઉન શરૂ



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામપંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે, તા. ૨૨ જૂનના રોજ કુલ ૬૭ ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.
જિલ્લામાંથી ૧૮ ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની ૬૭ પંચાયતોમાં મતદાન માટે ૧૭૪ મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પોતાનું મતાધિકાર વાપરી શકશે.ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની પણ પૂરી તજવીજ કરાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડમુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.




