
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈમાં રહેતા એક યુવક સાથે ૭૮૬ નંબરવાળી ચલણી નોટના બહાને ૩૭,૬૫૦/- રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આ લલચામણી સ્કીમમાં ફસાઈને યુવકે પોતાની મહેનતની કમાણી ગુમાવી છે, અને આ મામલે તેણે વઘઈ પોલીસ મથકે અજાણ્યા ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વઘઈમાં મજૂરી અને છૂટક કામ કરીને ગુજરાન ચલાવતા ૨૪ વર્ષીય તાજુદીનખાન પઠાણ (મહેરાજુદીખાન) ને ૮ જૂન, ૨૦૨૫નાં રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ૭૮૬ નંબરની નોટ વેચવા અંગેની એક જાહેરાત જોવા મળી હતી.આ જાહેરાતમાં આપેલા નંબર પર વોટ્સએપ દ્વારા ‘ૐ’ નો મેસેજ મોકલતા, સામેથી એક અજાણ્યા શખ્સે હિન્દીમાં વોઈસ મેસેજ મોકલીને જણાવ્યુ હતુ કે ૭૮૬ નંબરની નોટ માટે ₹૧,૨૭,૦૦૦ મળશે.આ લાલચમાં આવીને યુવકે પોતાની ૫૦૦ રૂપિયાની ૭૮૬ નંબરની ચલણી નોટનો ફોટો મોકલી આપ્યો.ત્યારબાદ, ઠગ શખ્સે યુવકને કહ્યુ કે ૫૦૦ રૂપિયાની ૭૮૬ સિરીઝની નોટ માટે થોડી પ્રક્રિયા કર્યા બાદ ₹૧,૨૭,૦૦૦ આપવામાં આવશે અને તેના માટે ID બનાવવુ પડશે. આ રીતે યુવક પાસેથી અલગ-અલગ છ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૩૭,૬૫૦/- રૂપિયા ઠગ એ લઈ લીધા હતા.જોકે ત્યારબાદ પણ ઠગ દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી.ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે તે સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે.જે બાદ આ અંગે યુવકે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે, યુવકે વઘઈ પોલીસ મથકે અજાણ્યા ઠગ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.હાલમાં વઘઈ પોલીસની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





