વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનું એકમાત્ર અને ગુજરાતનું પ્રખ્યાત ગિરિમથક સાપુતારા જે તેના કુદરતી સૌંદર્ય અને આહલાદક વાતાવરણ માટે જાણીતું છે.તે હાલ વિરોધાભાસી સ્થિતિનો સામનો કરી રહ્યુ છે.
એક તરફ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાપુતારામાં અગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે, ત્યારે બીજી તરફ, સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સાપુતારાની શોભા બગાડી રહી છે.આ બેદરકારીના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.સાપુતારાનાં નોટિફાઈડ વિસ્તારનાં મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે.અને ગંદા પાણીનાં ખાબોચિયા અને તેમાંથી ફેલાતી દુર્ગંધ પ્રવાસીઓનાં સ્વાગત માટે યોગ્ય નથી.સાપુતારામાં ઠેરઠેર ગટર ઉભરાઈને દુર્ગંધ ફેલાવતા પસાર થતા પ્રવાસીઓ મોઢામાં હાથ અથવા રૂમાલ મૂકી આક્રોશ ઠાલવી રહ્યા છે.ચોમાસાની ઋતુમાં આ સ્થિતિ વધુ વણસે છે,જેના કારણે મચ્છરજન્ય રોગો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે. સ્વચ્છતાનો આ અભાવ પ્રવાસીઓ પર અત્યંત નકારાત્મક છાપ છોડી રહ્યો છે.આ ઉપરાંત, મુખ્ય માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે. સૂર્યાસ્ત પછી સાપુતારાના રસ્તાઓ પર અંધારપટ છવાઈ જાય છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે રાત્રિના સમયે અવરજવરને મુશ્કેલ અને જોખમી બનાવે છે.સનરાઈઝ રોડ અને સનસેટ રોડ જેવા પ્રવાસીઓના મુખ્ય આકર્ષણ સમા માર્ગો પર પણ ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે.આ ખાડાઓ વાહનચાલકો માટે ગંભીર અકસ્માતોને નોતરી શકે છે, ખાસ કરીને વરસાદી વાતાવરણમાં જ્યાં ખાડાઓ પાણીથી ભરાઈ જવાથી દેખાતા નથી.આ સ્થિતિ પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા બંને માટે ચિંતાજનક છે.સાપુતારામાં દર વર્ષે યોજાતો મોન્સૂન ફેસ્ટિવલ ગુજરાતના પ્રવાસન કૅલેન્ડરનું એક મહત્વનું પાસું છે.આ ફેસ્ટિવલ લાખો પ્રવાસીઓને આકર્ષે છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે.ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ આ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે હાલમાં ભારે મહેનત કરી રહ્યા છે.વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને મનોરંજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.જોકે, આ બધી તૈયારીઓ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને લાપરવાહી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.જ્યારે પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે, ત્યારે તેઓ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં પણ નિષ્ફળ રહ્યા છે. સ્વચ્છતા, લાઇટિંગ અને રસ્તાઓની જાળવણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની અવગણના પ્રવાસન વિકાસના દાવાઓને પોકળ સાબિત કરી રહી છે.સાપુતારાના સ્થાનિક રહીશો અને વેપારીઓ પણ તંત્રની આ બેદરકારીથી ભારે નારાજ છે. તેમનું કહેવુ છે કે, જો આ સ્થિતિ ચાલુ રહેશે તો મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણીનો મૂળ હેતુ જ માર્યો જશે અને પ્રવાસીઓ નિરાશ થઈને પાછા ફરશે. તેમણે તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરોને સાફ કરવા, બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા અને ખાડાવાળા રસ્તાઓનું સમારકામ કરવા માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે.ત્યારે આશા છેકે, મોન્સૂન ફેસ્ટિવલ પૂર્વે સ્થાનિક વહીવટી તંત્ર જાગૃત થશે અને પ્રવાસીઓને સુખદ અનુભવ પૂરો પાડવા માટે જરૂરી પગલા ભરશે. શું તંત્ર ખરેખર ફેસ્ટિવલ પહેલા આ સમસ્યાઓનું નિવારણ લાવી શકશે કે પછી સાપુતારાની સુંદરતા પર બેદરકારીનું ગ્રહણ યથાવત રહેશે તે તો પ્રશ્ન જ રહ્યો.આ બાબતે સાપુતારાનાં સાઈ બજારનાં રેસ્ટોરન્ટનાં સંચાલક જયેશભાઇ પ્રજાપતિ જણાવે છે કે છેલ્લા એકાદ મહિનાથી આનંદો સર્કલથી પેટ્રોલ પંપ સુધીનાં ચેમ્બરોમાંથી ગટર ઉભરાય જતા ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પરથી વહે છે.જેના પગલે રોગ ચાળા ફાટવાની દહેશત છે.છતાંય તંત્ર કઈ ધ્યાન આપતુ નથી.જ્યારે સાપુતારા નવાગામનાં સ્થાનિક આગેવાન રામચંદ્રભાઈ હડસ જણાવે છે કે સાપુતારામાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ તેમજ ગટરો ઉભરાવાની સમસ્યાઓ મોટા પ્રમાણમાં છે સ્થાનિક વહીવટી તંત્ર આ સમસ્યાઓનો નિરાકરણ લાવવો જોઈએ.ડાંગ વહીવટી તંત્ર આ સમસ્યાઓનું નિરાકરણ લાવી સાપુતારાને દિપાવે એ જ અમારી વિનંતી છે..