બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોર ડુંગર ખાતે બાળ અધિકાર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ વિશે જાણકારી અપાઇ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગ્રામ વિકાસ ટ્રસ્ટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ડિપાર્ટમેન્ટ, મહિલા પોલીસ સ્ટેશન અને IUC-A શાખાના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગાયત્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, મોર ડુંગરના વિદ્યાર્થીઓ માટે બાળ અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બાળ અધિકારો તેમજ બાળ લગ્નની ગંભીર અસરો વિશે માહિતગાર કરવાનો હતો. જેમાં બાળ લગ્નને કારણે બાળકોના જીવન પર થતી માઠી અસરો, તેના માટે જવાબદાર કારણો, તેના ભયાવહ પરિણામો અને કાયદા મુજબ ગુનેગારને મળતી સજા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળ લગ્ન અટકાવવા માટે કોણ મદદ કરી શકે તે વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથા સામે જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.