ઇતિહાસકાર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત : ૩૩ પુસ્તકો અને ૫૦૦થી વધુ યુટ્યુબ વિડીયો દ્વારા સંશોધનક્ષેત્રે મહત્વનો યોગદાન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદઃ સંશોધક, ઇતિહાસકાર અને સામાજિક ચિંતક તરીકે જાણીતા જૂનાગઢના લેખક ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો પ્રતિષ્ઠિત એવોર્ડ સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં સાહિત્ય, સંશોધન અને સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા.
ડૉ. ખાચર છેલ્લા ૩૩ વર્ષથી જૂનાગઢમાં ડૉ. સુભાષ મહિલા કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેમણે અત્યારસુધી જૂનાગઢના ઈતિહાસ પર આધારિત છ તથા વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયોને આવરી લેતા કુલ ૩૩ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ઉપરાંત, તેમના યુટ્યુબ ચેનલ પર મૂકેલા ૫૦૦થી વધુ આધારભૂત વિડીયો દ્વારા તેમણે દેશના વિવિધ ખૂણામાં બેઠેલા વિધાર્થીઓ અને રસિકોમાં જ્ઞાનના પ્રકાશનું વિતરણ કર્યું છે.
એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન માધવપ્રિયદાસજી, પૂર્વ મુખ્યસચિવ પી. કે. લહેરી, પૂર્વ માહિતી નિયામક વી. એસ. ગઢવી, કથાલેખક અને વિદ્વાન કુમારપાળ દેસાઈ, લેખિકા ભાગ્યશ જહા, દાતા પન્નાબેન રસિકલાલ હેમાણી તથા દક્ષાબેન પિનાકીનલાલ સોદાગર તેમજ ટ્રસ્ટીના રૂપમાં રમણીકભાઈ ઝાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તેમના શૈક્ષણિક યોગદાનની પ્રશંસા કરતા જણાવાયું કે ડૉ. ખાચર પોતાના કાર્યમાં સતત નિષ્ઠા, સમર્પણ અને તટસ્થ દૃષ્ટિ ધરાવે છે. તેમના લેખન કાર્યમાં જૂનાગઢ અને આસપાસના ઈતિહાસિક પથ્થરોથી લઇ આધુનિક ગુજરાતના સંસ્કૃતિ પ્રવાહોને સ્પર્શ થયો છે.
સન્માન મળ્યા બાદ ડૉ. ખાચરે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ મારા માટે માત્ર સન્માન નથી, પરંતુ સંશોધન અને લેખન ક્ષેત્રે વધુ ઊંડાણમાં જવા માટેની નવી પ્રેરણા છે.”
તેમના નજીકના સહકર્મીઓ અને શિષ્યોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ આગામી સમયમાં વધુ નવો સંશોધનમૂલ્ય અને સામાજિક મહત્વ ધરાવતો સાહિત્ય સમાજને અર્પણ કરશે.








