
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.4 ઓગસ્ટ : તાજેતરમાં, ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના સ્થાનિક વર્તમાનપત્રોમાં મુન્દ્રા તાલુકામાં આવેલી ખાનગી સંસ્થા ‘શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ’ દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, “જ્ઞાન જ્યોત યોજના” હેઠળ માસિક રૂપિયા ૯,૦૦૦ના પગારધોરણે શિક્ષકોની ભરતી કરવાની વાત કરવામાં આવી છે. આ પગલું રાજ્ય સરકારની શિક્ષણ વ્યવસ્થા પર અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
આ ઘટના પરથી એક સીધો સંદેશ જાય છે કે ગુજરાત સરકાર સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે સક્ષમ નથી. છેલ્લા બે વર્ષથી ટેટ/ટાટ પરીક્ષા લેવાઈ ગઈ હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ પરિસ્થિતિ સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
સર્વ સેવા સંઘના પ્રમુખશ્રી જીગર તારાચંદભાઈ છેડાના શિક્ષણ પ્રત્યેના અભિગમને આવકાર્ય છે, પરંતુ સરકારી શાળાઓમાં આવી ખાનગી ભરતીને મંજૂરી આપવી તે એક શરમજનક બાબત છે. આ સંસ્થા મુખ્યત્વે જીવદયા, બીમાર દર્દીઓ અને ગરીબ લોકો માટે કામ કરે છે, અને આ નવી ભરતી માટે સંસ્થાનું ભંડોળ વપરાશે, પાડાના વાંકે પખાલીને ડામ પડે એ પણ પણ યોગ્ય તો નથી જ.
આવી ભરતી થવા પર, સરકારી શાળાઓમાં કાર્યરત ૪૯,૦૦૦ના પગાર વાળા નિયમિત શિક્ષકો વહીવટી કામ (આરામ) કરશે અને રૂપિયા ૯,૦૦૦ના માનદ વેતન વાળા ભણાવશે. આ પરિસ્થિતિ “માલ ખાય મદારી અને માર ખાય વાંદરો” જેવી થશે, જ્યાં મહેનત કોઈક કરશે અને લાભ કોઈક બીજો લેશે.
આ ઘટનાથી કચ્છી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં નહીં ભરે, તો શિક્ષણના ક્ષેત્રમાં ઉભરેલી આ ચિનગારી દાવાનળનું સ્વરૂપ ધારણ કરી શકે છે. લોકોએ તાત્કાલિક શિક્ષણ ખાતું અને રાજ્ય સરકારને આ બાબતે ગંભીરતાથી વિચારણા કરીને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.
આ મુદ્દે જ્યારે એક જાણીતી ગુજરાતી ટીવી ચેનલના પત્રકારે શિક્ષણ અધિકારીને આ બાબતે મંજૂરી આપવામાં આવી છે કે કેમ? તે અંગે પ્રશ્ન પૂછ્યો, ત્યારે અધિકારીએ ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું કે, “બાળકોના હિતમાં કોઈ સંસ્થા કામ કરે તો એમાં તંત્ર સહમત હોય છે.” આ જવાબથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો આ જ તર્ક સાચો હોય તો, શું કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ કરતી સંસ્થા વધુ પગાર આપીને પોતાના માણસોને શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં ગોઠવી દેશે તો પણ તંત્ર સહમત રહેશે? આ પ્રકારના બિનજવાબદાર નિવેદનો આવનારી પેઢીના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી શકે છે.
આ ઉપરાંત, શિક્ષણ અધિકારીને જ્યારે સરકાર દ્વારા ભરતી ક્યારે કરવામાં આવશે તેવું પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે, “લોટ આવી ગયેલ છે, પરંતુ રોટલી બનતા વાર લાગે એટલી વાર લાગશે.” આ જવાબ પર આક્રોશ વ્યક્ત કરતા લોકોએ સીધો સવાલ કર્યો છે કે, લોટ તો બે વર્ષ પહેલાં આવી ગયો છે! ખેડૂત અનાજની વાવણી કરે ત્યારથી માંડીને જમણવાર પૂરું થાય, તેમાં પણ માત્ર છ મહિનાનો જ સમય લાગે છે. તો પછી શિક્ષક જેવી અગત્યની ભરતીમાં આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે?
સ્થાનિક પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા જાહેરનામું બહાર પાડ્યાના એક મહિનામાં આટોપી લેવામાં આવતી હોય, તો શિક્ષણ જેવા પાયાના અને ભવિષ્ય નિર્માણના કાર્યમાં તંત્ર દ્વારા આટલી બધી ઉદાસીનતા કેમ?
અહીં એક વિરોધાભાસ પણ જોવા મળે છે. થોડા સમય પહેલાં, સરકાર દ્વારા શિક્ષકોની ઘટ પૂરવા નિવૃત્ત શિક્ષકોની સેવા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેનો જોરશોરથી વિરોધ કરી અને પરિપત્રને પાછો ખેંચવાની સરકારને ફરજ પાડવામાં આવી હતી. તો હવે, જ્યારે ઓછી લાયકાતવાળા ઉમેદવારો બાળકોને ભણાવશે, ત્યારે આવા જાગૃત વાલીઓ અને સંસ્થાઓ ક્યાં સુઈ ગઈ છે ? આ બેવડું ધોરણ સમાજમાં ગંભીર ચિંતા ઉભી કરે છે.
આ ઘટનાઓ સ્પષ્ટપણે સરકારની નિષ્ફળતા અને બેદરકારી દર્શાવે છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મામલે સરકાર પાસે જવાબ ન મેળવી શકે, તો તેમને સામૂહિક રાજીનામા આપી દેવા જોઈએ. આનાથી પણ આગળ વધીને, કચ્છના લોકોમાં એવી તીવ્ર માંગણી ઉઠી છે કે જો સરકાર દ્વારા કંઈ થઈ ન શકે, તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આત્મનિર્ભર બનેલી કચ્છની પ્રજાને અલગ રાજ્ય કે અલગ દેશ મળે તેવી મંજૂરી આપવામાં આવે.
સમગ્ર ભારતમાં કચ્છ જિલ્લો એક એવો જિલ્લો છે કે જે કરોડોની કમાણી કરીને સરકારને આપે છે, આમ છતાં તેના ભાગે સેવાના નામે મામૂલી ભાગ આવે છે. આ પરિસ્થિતિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવેશે નહીં, જો વાણિયા/મહાજન દાન આપી શકતા હોય તો દેશ દેવી આશાપુરા માતાજીના ભક્તો એવા ક્ષત્રિય સમાજના લોકો શસ્ત્ર ઉઠાવે એ દિવસો દૂર નથી. અને શું આના માટે કચ્છમાં પુંજાશેઠના જન્મની રાહ જોવાઇ રહી છે? એવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.
કચ્છના બાળકો, વાલીઓ અને ઉમેદવારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અપેક્ષા છે.




