જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિવિધ શાળાઓમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉત્સાહભેર ઉજવણી
વિદ્યાર્થીઓએ સંસ્કૃત વક્તવ્ય, ગૌરવ ગીત, ગ્રંથ પરિચય, રમતો, મંત્રોચ્ચાર,પરંપરાગત વૈદિક વેશભૂષામાં ભાગ લીધો

વિદ્યાર્થીઓએ સંસ્કૃત વક્તવ્ય, ગૌરવ ગીત, ગ્રંથ પરિચય, રમતો, મંત્રોચ્ચાર,પરંપરાગત વૈદિક વેશભૂષામાં ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિશ્વની સૌથી પ્રાચીન ભાષા ‘સંસ્કૃત’ ભારતની ઋષિ-પરંપરા, દર્શન, અધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ રજૂ કરે છે. રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-જૂનાગઢ દ્વારા દ્વિતીય દિવસે સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામા આવી હતી.
જેમાં ૫૩૭ જેટલી શાળાઓના કુલ ૧૮૦૯ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ મળીને સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર માટે સ્વાગત નૃત્ય, ભગવદ્દ ગીતા ગાન, કૃષ્ણ અષ્ટકમ, અષ્ટલક્ષ્મી સ્ત્રોત, મધુરાષ્ટકમ, ભાવન્યાષ્ઠકમ, સંસ્કૃત ગૌરવ ગીત, નંદકુમારાષ્ટકમ, નારાયણ ઉપનિષદ, સંસ્કૃત સમાચાર, શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ, સંસ્કૃત ગ્રંથ પરિચય, મહાકવિ કાલિદાસ પરિચય, હવન, રોલ પ્લે, નૃત્ય, સંસ્કૃત નાટક (એકલવ્યની ગુરૂ શ્રદ્ધા), શિવ તાંડવ, હાસ્ય યોગ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું મહત્વ, સંસ્કૃત રમત, મંત્રોચ્ચાર, જુદા જુદા સંસ્કૃત વક્તવ્ય, અનેક વેશભૂષા, કટ આઉટ્સ, પરંપરાગત વૈદિક વેશભૂષા સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરીને ઉમંગભેર ઉજવણી કરી હતી.
મહાનુભાવોનું ઉમળકાભેર ઋષિ પરંપરા મુજબ કુમકુમ તિલક અને પુષ્પો દ્વારા સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ યજ્ઞ કુંડમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી.
જૂનાગઢ જિલ્લા નોડલ અધિકારી કે. આર. ઊંધાડ ના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થઈ રહી છે.





