AHAVADANGGUJARAT

સાપુતારાનાં ટેબલ પોઈન્ટ નજીક અર્ટિગા કાર 100 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, સદનસીબે તમામનો બચાવ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટનાં માર્ગમાં મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરતનો એક પરિવાર ગંભીર દુર્ઘટનાનો શિકાર બનતા માંડ માંડ બચ્યો હતો.સાપુતારાનાં ટેબલ પોઈન્ટ પર ફરવા આવેલા આ પરિવારની કાર અચાનક રિવર્સમાં જઈને 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.જોકે, સદભાગ્યે કારમાં સવાર કોઈને પણ ગંભીર ઈજા થઈ ન હતી અને આબાદ બચાવ થયો હતો.મળતી માહિતી મુજબ, સુરતના રાજેશભાઈ જયંતીભાઈ ખીલોટીયા પોતાના પરિવાર સાથે પોતાની અર્ટીગા કાર (નંબર GJ-05-JE-7834) લઈને સાપુતારા ફરવા આવ્યા હતા. રાત્રિના સમયે તેઓ સાપુતારાના ટેબલ પોઈન્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ચઢાણવાળા રસ્તા પર અચાનક તેમની કાર રિવર્સ થવા લાગી હતી. આ દરમિયાન કારે રસ્તાની બાજુમાં આવેલી રેલિંગ તોડી અને 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ ચમત્કારિક રીતે કારમાં સવાર તમામ સભ્યોનો જીવ બચી ગયો હતો.આ ઘટનાની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાને થતાની સાથે જ સાપુતારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.રાત્રિનો સમય હોવાને કારણે અને ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી હતી. તેમ છતા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાએ સૂઝ બુઝ વાપરી અસ્કા લાઈટની મદદથી પૂરો વિસ્તાર પ્રકાશિત કર્યો અને ક્રેઈન બોલાવીને કારને ખીણમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.સાપુતારા પોલીસે અકસ્માતમાં ફસાયેલા પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમની મદદ કરી હતી.આ અકસ્માત બાદ કારમાં સવાર કોઈને પણ ગંભીર ઈજા ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.સાપુતારા પોલીસે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.જે બદલ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કટોકટીના સમયે ડાંગ પોલીસ વિભાગ કેટલી સંવેદનશીલતા અને નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવે છે..

Back to top button
error: Content is protected !!