અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત મધર્સ મિલ્ક બેંક નવજાત શિશુઓને માતાનું દૂધ પૂરુ પાડવા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
આ અવસરે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે, જે માત્ર પોષક તત્વો જ નહીં પરંતુ એન્ટિબોડીઝ અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ગુણોથી ભરપૂર છે. ઘણીવાર કેટલીક માતાઓને પૂરતું દૂધ ન આવતું હોય છે, તેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય છે અથવા તો પ્રિમેચ્યોર અને ગંભીર સ્થિતિમાં જન્મેલા શિશુઓ માટે માતાનું દૂધ ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બને છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી આ વિશિષ્ટ બેંકની સ્થાપના કરવામાં આવી છે.
મંત્રીએ આ પ્રસંગે બી.જે. મેડિકલ કોલેજ એલ્યુમની એસોસિએશન યુએસએ, પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તથા 1974ની બેચના વિદ્યાર્થી ડૉ. ગૌરાંગ પંડ્યાનો આભાર માન્યો હતો, જેમણે આ મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલરનું દાન આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંક નવજાત શિશુઓનું જીવન બચાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ માત્ર આરોગ્ય ક્ષેત્રમાં જ નહીં પરંતુ માતૃત્વના સ્પર્શને નવા સ્તરે લઈ જતી યોજના સાબિત થશે. માતાનું દૂધ આપવાથી બાળક તંદુરસ્ત રીતે વિકસે છે તેમજ શિશુ મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
રાજ્યમાં હાલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે મધર્સ મિલ્ક બેંક કાર્યરત છે. ઉપરાંત ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, જામનગર ગુરુ ગોબિંદસિંહ સરકારી સિવિલ હોસ્પિટલ અને રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં પણ ટૂંક સમયમાં મધર્સ મિલ્ક બેંક કાર્યરત થવાની છે.
સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ આ બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન, ક્લાઉડ આધારિત સોફ્ટવેર, દરેક લાભાર્થી માટે યુનિક આઈડી, પરામર્શ કેન્દ્ર તથા દૂધને ઓટોમેટિક પેસ્ટરાઈઝરથી શુદ્ધ બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે. દૂધ સંગ્રહ માટે બે વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ ડીપ ફ્રીઝર છે, જેની કુલ ક્ષમતા 45 લિટર છે. ઉપરાંત દૂધની ગુણવત્તા જાળવવા માટે બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ પણ કરવામાં આવે છે.
આ બેંકને સુચારૂ રીતે ચલાવવા માટે 10 સ્ટાફ નર્સ, એક લેબ ટેકનિશિયન અને બે બાળરોગ નિષ્ણાતોની ટીમ 24 કલાક કાર્યરત રહેશે. સાથે જ સ્વચ્છ બાથરૂમ, આરઓ પાણી, સ્ટેરિલાઈઝેશન, પ્રતીક્ષા કક્ષ અને મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી માતાઓને આરામદાયક વાતાવરણ મળે.
આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, અમોલભાઈ ભટ્ટ, પંડ્યા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, સિવિલ મેડિસિન વિભાગના વડાઓ, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિલ્ક બેંક માત્ર આરોગ્યસેવાઓમાં નહીં પરંતુ સામાજિક ક્ષેત્રે પણ એક નવા યુગની શરૂઆત ગણાય છે. ગુજરાત સરકારની આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના પ્રયત્નોમાં આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




