વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ .
માંડવી,તા.-૧૫ સપ્ટેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–કચ્છ જિલ્લાના પ્રાથમિક સરકારી સહિત તમામ સંવર્ગો દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી પ્રભાવિત થનાર લાખો શિક્ષકોની સેવા–સુરક્ષા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી સાથે આજરોજ (૧૫ સપ્ટેમ્બર) કચ્છ જિલ્લા કલેકટર શ્રી આનંદભાઇ પટેલ સાહેબ મારફત પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે (ABRSM) સ્પષ્ટ કર્યું કે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના ઉચ્ચતમ ન્યાયાલયના ચુકાદા મુજબ ધોરણ ૮ સુધી ભણાવતાં તમામ સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત કરવામાં આવી છે, ભલે તેમની નિમણૂંક ક્યારે પણ થયેલી હોય. આ નિર્ણયથી દેશભરના આશરે ૨૦ લાખ શિક્ષકોની સેવા–સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
સંગઠનના જણાવ્યા મુજબ આર.ટી.ઈ અધિનિયમ ૨૦૦૯ તથા એન.સી.ટી.ઈ ના તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૦ના જાહેરનામા અનુસાર ૨૦૧૦ પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકોને TETમાંથી છૂટ આપવામાં આવી હતી, જ્યારે ૨૦૧૦ પછીના શિક્ષકોને નિશ્ચિત સમયગાળામાં TET પાસ કરવું ફરજિયાત હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આ ભેદને અવગણતા, ૨૦૧૦ પૂર્વેના નિયમિત રીતે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત કરી દીધી છે. વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પર અચાનક TETની ફરજિયાતતા લાદવી માત્ર અન્યાયપૂર્ણ જ નહીં પરંતુ શિક્ષણની સાતત્યતા માટે પણ ખતરનાક સાબિત થશે. અહેવાલ મુજબ જિલ્લા કલેકટર મારફત સંગઠને પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આ ચુકાદાને માત્ર ભવિષ્યની નિમણૂકો પર જ લાગુ કરવામાં આવે અને ૨૦૧૦ પૂર્વેની તમામ નિયુક્તિઓને સેવા–સુરક્ષા તથા ગૌરવની રક્ષા આપવામાં આવે. સાથે જ જરૂરી નીતિગત અથવા કાનૂની પગલાં લઈને લાખો શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવા સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે.
આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ મૂરજીભાઇ ગઢવી, પ્રાથમિક સરકારી કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,મહામંત્રી રમેશભાઇ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઇ કેરાશિયા,જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, ઉપાધ્યક્ષ રણજીતસિંહ પરમાર, માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા,ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ મનુભા સોઢા, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, એચ.ટાટ સંવર્ગ પ્રચાર પ્રમુખ નરશીભાઈ ડાંગર, ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ સહિતના શિક્ષકો જોડાયેલ હતા.