વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૮ સપ્ટેમ્બર : નાગરિકો દેશની લશ્કરી કામગીરીથી અવગત થાય તે હેતુથી ઈન્ડિયન આર્મી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ માટે ઈન્ડિયન આર્મીએ કચ્છના રણ સરહદની મુલાકાતનું આયોજન કર્યું હતું. દેશના વિવિધ લશ્કરી દળો કેવી રીતે અને ક્યાં ક્યાં પડકારો વચ્ચે કામ કરે છે તેમજ વહીવટીતંત્ર અને ઈન્ડિયન આર્મી વચ્ચે સંકલન વધારવાના હેતુથી આંતરરાષ્ટ્રીય સરહદની સંયુક્ત મુલાકાત યોજાઈ હતી.આ વિઝિટ દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને ઈન્ડિયન આર્મીના ઓફિસર્સ દ્વારા રણમાં સેનાની કામગીરી વિશે બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વહીવટીતંત્રના અધિકારીશ્રીઓને રણ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, આબોહવા અને સુરક્ષા દરમિયાન પડકારો વિશે અવગત કરાવવામાં આવ્યા હતા. આ મુલાકાતમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની આઉટ પોસ્ટની કામગીરી અને ભારતીય સેનાની વિવિધ રક્ષણાત્મક તૈયારી વિશે જાણકારી આપવામાં આવી હતી. સેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નવી પેઢીના શસ્ત્રો, અત્યાધુનિક રક્ષા પ્રણાલીઓ અને વિષમ વિસ્તારમાં ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ રીતે ડિઝાઈન કરવામાં આવેલા વાહનો વિશે જાણકારી આપવામાં આવી હતી. આ વાહનોની મદદથી સેનાને સર્વેલન્સ સહિતની બાબતોમાં કેવી રીતે મદદ મળે છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કચ્છ કલેક્ટરશ્રી અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ઈન્ડિયન આર્મીના અધિકારીશ્રીઓએ બીએસએફ યુદ્ધ સ્મારક ખાતે વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની સરહદ મુલાકાત એ સેના અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન વધારવા માટે મહત્વપૂર્ણ બની હશે. દેશની રક્ષા માટે પરસ્પર સહયોગ વધારવા તેમજ સુરક્ષા અને વિકાસ બાબતે એકસાથે મળીને કામ કરવાની દિશામાં આ મુલાકાત સૂચક બનશે. આ મુલાકાત જિલ્લા વહીવટીતંત્ર અને સશસ્ત્ર વચ્ચે સંકલન વધારવાની સાથે જ સરહદી વિસ્તારમાં સામાજિક-આર્થિક વિકાસને ગતિ આપવા તેમજ સરહદોનું રક્ષણ કરવાના સામૂહિક સંકલ્પને મજબૂત બનાવશે.આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, ભુજ આર્મી સ્ટેશનના કર્નલશ્રી વી.કે.સિંઘ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.