વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ સપ્ટેમ્બર : કચ્છની તમામ આંગણવાડીઓમાં પોષણ માહ – ૨૦૨૫ હેઠળ પોષણ માસના છ હેતુઓ અને અન્ય સેવાકીય યોજના વિષે લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. કચ્છની આંગણવાડીના લાભાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે લાભાર્થીના નવા આધારકાર્ડ બનાવવા અને આધારકાર્ડ અપડેટની કામગીરી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર બાળકો, મહિલા તથા કિશોરીઓના સ્વાસ્થ્ય તથા પોષણ માટે સક્રીય કામગીરી કરી રહી છે ત્યારે લાભાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પોષણમાસની ઉજવણી કરાઇ રહી છે. CMAM પ્રોજેક્ટ અંતર્ગત કચ્છમાં કુપોષિત બાળકોને પોષણકીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વચ્છતા મિશનને સાંકળીને આંગણવાડી કેન્દ્રોની આસપાસ સફાઈ કરાવવા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ દ્વારા ગ્રામપંચાયત તેમજ નગરપાલિકાના સંકલનથી સફાઈ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રમાં ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસનું અવલોકન કરી મારી વિકાસ યાત્રા અને અગમ એપમાં નોંધ, ઉપરાંત તમામ તાલુકાના વિવિધ આંગણવાડીના લાભાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અંગેની રેલી કાઢી લોકોમાં જાગૃતતા લાવવા અંગેનો પ્રચાર –પ્રસાર કરવામાં આવ્યો હતો. ઘટક ભુજ-૧ ના સેજો ભુજ -૩માં પોષણ માસ અંતર્ગત જેષ્ઠાનગર ભાનુશાલી સમાજવાડીમાં પોષણયુક્ત વાનગી નિદર્શન તથા રંગોળી દ્વારા યોગ્ય આહાર અંગે લાભાર્થીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નગરસેવકશ્રી રાજુભાઈ ગોર, હેમલતાબેન ભાનુશાલી, મેડિકલ ઓફિસર સોનાલીબેન ડોબરીયા, આરોગ્ય સુપરવાઇઝર હેમલતાબેન ગોસ્વામી, શાળા નંબર -૬ ના શિક્ષક શ્રી નેહાબેન સોની તેમજ સુપરવાઇઝર શ્રી પ્રવિણાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. THR અને શ્રી અન્ન (મિલેટ્સ )માંથી બનેલી વાનગીઓનું નિર્દેશન અને શ્રેષ્ઠ વાનગીઓ બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. THR (આંગણવાડીમાં મળતું ટેક હોમ રાશન) અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ અને તેમાંથી મળતા પોષક તત્વો વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન તન્ના તેમજ કાર્યક્રમની રૂપરેખા અસ્મિતાબેન ગોરે સંભાળી હતી. આભારવિધિ પ્રવિણાબેન ગોર દ્વારા કરવામાં આવી હતી.