GUJARATKUTCHMANDAVI

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી જયપાલ સિંઘની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છમાં ઋતુ પ્રવાસી પક્ષી ગણતરી કાર્યક્રમનો શુભારંભ.

ભારતના વિવિધ ૧૬ રાજ્યમાંથી પક્ષીવિદો, સ્વયંસેવકો ઋતુ પ્રવાસી પક્ષી ગણતરીમાં જોડાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા૨૦ સપ્ટેમ્બર : ઋતુપ્રવાસી પક્ષીઓની વૈજ્ઞાનિક ઢબે ગણતરીમાં ૧૯૦થી વધુ પક્ષીવિદો ૨૧ સપ્ટેમ્બર સુધી કચ્છને ખુંદી વળશે પ્રનીધી ટ્રસ્ટ, ગુજરાત વન વિભાગ, બર્ડ કાઉન્ટ ઓફ ઈન્ડિયા, ઈ-બર્ડ અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સંયુક્તે ઉપક્રમે આયોજન.

ભુજ ખાતે ચોથા પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ કાર્યક્રમ(ઋતુ પ્રવાસી પક્ષી ગણતરી)નો શુભારંભ ગુજરાત વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી ડો. જયપાલ સિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયો‌ હતો. આ કાર્યક્રમ કચ્છ વન વર્તૂળ વિભાગના મુખ્ય વન સંરક્ષકશ્રી ડૉ. સંદીપ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.વર્ચ્યુઅલી સંબોધન કરતાં ગુજરાત વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક (APCCF) શ્રી ડો. જયપાલ સિંહ એ સુંદર કાર્યક્રમના આયોજન બદલ નિવૃત્ત આઈ.એફ.એસ અધિકારીશ્રી ઉદય વોરાને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા… યુક્તિ સાથે તેઓએ પક્ષીની ગણતરી માટે પધારેલા સૌ પક્ષી પ્રેમીઓ, પક્ષીવિદો અને સ્વંયસેવકોને આવકારીને જૈવ વિવિધતા ધરાવતા વિશાળ કચ્છ જિલ્લાને પર્યાવરણીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ખાસ કરીને પક્ષીઓની વાત હોય ત્યારે કચ્છનું મહત્વ અનેકગણું વધી જાય છે તેમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, બન્ની ગ્રાસલેન્ડ, વેટલેન્ડ, રણ વગેરે પ્રાકૃતિક વૈવિધ્યસભરતા કચ્છને પ્રાપ્ત થઈ છે. કચ્છ પક્ષીઓ માટે એક વૈશ્વિક મહત્વતા ધરાવતો રૂટ બને છે. કચ્છની ધરતી પક્ષીઓ માટે અદભૂત વિરામસ્થળ છે અને આવાં કાર્યક્રમો પક્ષીઓના આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ફ્લેમિંગો સહિતના પક્ષીઓના સંરક્ષણના કચ્છના વનવિભાગના પ્રયાસોને અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીએ ઐતિહાસિક ગણાવ્યા હતા. સૌ પક્ષીવિદોને બિરદાવીને પક્ષી ગણતરીના કાર્યમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.કચ્છ વન વર્તૂળના મુખ્ય વન સંરક્ષકશ્રી ડૉ. સંદીપકુમારે આ પ્રસંગે વિવિધ પક્ષી પ્રેમીઓને આવકારીને જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોમાં સહભાગી થવા માટે સ્વખર્ચે ભારતમાંથી લોકો કચ્છમાં આવે તેનાથી વિશેષ શું હોય શકે. ડૉ. સંદીપ કુમાર દ્વારા કચ્છની જૈવવિવિધતા અને વનવિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે હાલમાં હાથ ધરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓએ બન્નીમાં ચિત્તા બ્રીડિંગ સેન્ટરથી લઈને લાઈન સફારી પાર્ક વિશે ઝીણવટીભરી માહિતી આપી હતી. “Bird Count India અને eBird જેવી નવી પદ્ધતિઓ દ્વારા મળતા ડેટા પક્ષી સંરક્ષણ અને વૈજ્ઞાનિક અભ્યાસને નવી દિશા આપશે તેમ જણાવ્યું હતું. પ્રનીધી ટ્રસ્ટ અને શ્રી ઉદય વોરાની પર્યાવરણ જાગૃતિની પહેલને ડૉ. સંદીપકુમારે પ્રશંસનીય ગણાવીને વન વિભાગ દ્વારા તમામ સહયોગ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.કચ્છ પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્માએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી કચ્છની બાયોડાયવર્સિટી અને વિસ્તારવાઈઝ પ્રાણીઓની હાજરી વિશે સૌને અવગત કર્યા હતા. તેઓએ કચ્છમાં ઋતુ પ્રવાસી પક્ષીઓની ગણતરી માટે પધારેલા સૌ લોકોને તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. આ ઋતુ પ્રવાસી પક્ષીઓની ગણતરીના અહેવાલો બાદ વન વિભાગ સહિત સરકાર ભવિષ્યની રણનીતિઓ તૈયાર કરી શકશે તેમ તેઓએ ઉમેર્યું હતું.નિવૃત્ત આઈ.એફ.એસ અધિકારીશ્રી ઉદય વોરાએ સહયોગ માટે વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ગુજરાતમાં સૌથી વધારે રામસર વેટલેન્ડ સાઈટ જાહેર થાય એ લક્ષ્ય સાથે કામગીરી કરવા સૌને પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત, તેઓએ પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરીને ગુજરાત સમગ્ર ભારતમાં પક્ષીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બને એ લક્ષ્ય સાથે આગળ વધવા જણાવ્યું હતું. આગામી વર્ષોમાં આ પહેલને વધુ વિસ્તૃત કરીને કુદરતી સંરક્ષણ કાર્યને મજબૂત બનાવાશે તેમ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ વિસ્તાર છે. દેશ-વિદેશના પ્રવાસી પક્ષીઓનું આગમન માટે કચ્છ એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સમાન છે કે જ્યાંથી લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણા દેશમાં પ્રવેશ કરે છે. યાયાવર પક્ષીઓની પ્રજાતિઓમાંથી કેટલીક એવી પ્રજાતિઓ છે જે ટૂંકા સમય માટે અહીં રોકાય છે અને બાદમાં આગળ દક્ષિણમાં પ્રયાણ કરે છે. આવા પક્ષીઓને પેસેજ માઇગ્રન્ટ અથવા ઋતુપ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાં આ પ્રકારના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર દેશમાં માત્ર કચ્છ જ એકમાત્ર વિસ્તાર છે જ્યાં આ પ્રકારનું વિશાળ આયોજન દર વર્ષે થાય છે. આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ વ્યાપક પ્રમાણમાં આયોજન થયું છે જેમાં દેશના ૧૬ અલગ-અલગ રાજ્યોમાંથી રેકર્ડ સંખ્યામાં ૧૯૦ કરતાં વધુ પક્ષીવિદો અને સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા છે.કચ્છને પાંચ x પાંચ કિલોમીટરના ગ્રીડમાં વહેંચીને ૫૧ સર્વેક્ષણ ઝોન તૈયાર કરાયા ઋતુ પ્રવાસી પક્ષીઓની ગણતરી ચોક્કસાઈથી થાય તે માટે સમગ્ર કચ્છ વિસ્તારને પાંચxપાંચ કિલોમીટરના ગ્રીડમાં વહેંચીને ૫૧ ઝોનમાં બનાવવામાં આવ્યા છે. દરેક ઝોનમાં સ્વંયસેવકોની ટીમ બનાવીને વૈજ્ઞાનિક રીતે સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ “બર્ડ કાઉન્ટ ઈન્ડિયા” અને “ઈબર્ડ”ની નવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે ડેટા એકત્રિત કરવાની પદ્ધતિ વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને વિશ્વસનીય બની રહે છે. કચ્છમાં ગત વર્ષના સર્વે દરમિયાન યુરોપિયન રોલર, સ્પોટેડ ફ્લાયકેચર, વિવિધ શ્રાઇક, ગ્રેટર વ્હાઇટ થ્રોટ સહિત અનેક સ્થળાંતરી પક્ષીઓના મહત્વપૂર્ણ રેકોર્ડ્સ એકત્ર થયા હતા. આ અભ્યાસથી સ્થળાંતરી પક્ષીઓની હિલચાલ તથા વસ્તી સંરક્ષણ અંગે વૈશ્વિક સ્તરે ઉપયોગી માહિતી પ્રાપ્ત ઉપલબ્ધ બનશે.આ કાર્યક્રમમાં કચ્છ બન્ની વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી નેવિલ ચૌધરી, તમામ મદદનીશ વન સંરક્ષકશ્રી શિવરાજદાન ગઢવી, શ્રી પરિમલ પટેલ, શ્રી ભરતભાઈ ચૌધરી, શ્રી પ્રદિપભાઈ વાઘેલા, વનવિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન નિવૃત્ત મુખ્ય વન સંરક્ષકશ્રી ઉદય વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજનના નેતૃત્વમાં શ્રી કુનાન નાયક(પ્રનીધી ટ્રસ્ટ), અર્પિત દેવમૂરારી, અશ્વિન રંગનાથન, ઈ-બર્ડ ઈન્ડિયા, બર્ડ કાઉન્ટ ઓફ ઈન્ડિયા, પ્રનીધી ટ્રસ્ટ, એસ્ટ્રલ ફાઉન્ડેશન, ગુજરાત વન વિભાગ તથા તમામ સ્વયંસેવક પક્ષીવિદોએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Back to top button
error: Content is protected !!