
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી પર માજી પ્રમુખ અને સભાસદો દ્વારા લગાવેલ કથિત ભ્રષ્ટાચારનાં વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે.ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં માજી પ્રમુખ અને સભાસદો તથા વર્તમાન હોદ્દેદારો વચ્ચે ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપના સંઘર્ષમાં હવે “પિતા-પુત્ર”નાં વિવાદને ઢાલ બનાવીને સમગ્ર પ્રકરણને વાળવાનો પ્રયાસ થઈ રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.આ મામલો હવે માત્ર આંતરિક વિખવાદ નહીં, પરંતુ ભ્રષ્ટાચારને છુપાવવા માટેની વ્યૂહરચના બની ગયો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મંડળીના માજી પ્રમુખ બનસભાઈ ચૌર્યા અને અન્ય સભાસદોએ મુખ્યમંત્રીને સંબોધીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ આવેદનપત્રમાં તેમણે વર્તમાન પ્રમુખ, મંત્રી અને હિસાબનીશ સહીત મંડળીનાં એક વૈધ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મુખ્ય આક્ષેપ એ હતો કે મંડળીમાં સાધારણ સભા લેવાતી નથી સાથે સ્થાનિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાને બદલે બહારથી તૈયાર દવાઓ ખરીદીને તેના પર મંડળીનું લેબલ લગાવીને વેચે છે. આ ઉપરાંત, સાપુતારા ખાતે આવેલી અમૃત આયુર્વેદિક હોસ્પિટલમાં કેરાલાના થેરાપિસ્ટ અને ડોક્ટરોને બોલાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.આ આવેદનપત્રના બીજા જ દિવસે એક આશ્ચર્યજનક ઘટના બની હતી.મંડળીમાં જ કામ કરતા અને બનસભાઈ ચૌર્યાના પુત્ર એવા એક કર્મચારીએ પોતાના પિતાના આક્ષેપોથી વિરુદ્ધ નિવેદન આપ્યું. બનસભાઈ ચૌર્યાએ આશંકા વ્યક્ત કરી કે મંડળીના વર્તમાન હોદ્દેદારોએ તેમના પુત્ર પર દબાણ લાવીને આ નિવેદન અપાવ્યુ છે,જેથી સમગ્ર ભ્રષ્ટાચાર પરથી ધ્યાન હટાવી શકાય.ડાંગ પંથકમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે,ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં વગદાર હોદ્દેદારો આ “પિતા-પુત્ર” ના વિવાદને ઉશ્કેરીને સમગ્ર પ્રકરણને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પિતા અને પુત્ર વચ્ચેની લડાઈને આગળ ધરીને ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાઓને છુપાવવાની પેરવીમાં છે. આ આક્ષેપોએ સહકારી ક્ષેત્રમાં પણ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.વર્તમાન હોદ્દેદારો પર એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ પૈસા અને સત્તાના જોરે આ સમગ્ર પ્રકરણ પર દબાણ લાવી રહ્યા છે. આવેદનપત્ર આપ્યા બાદ હરકતમાં આવેલ મંડળીનાં વગદાર હોદ્દેદારો માજી પ્રમુખ સહીત ગરીબ અને અભણ સભાસદોની અજ્ઞાનતાનો લાભ લઈ, “શામ, દામ અને દંડ” ની નીતિ અપનાવી દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાનું જાણવા મળી રહ્યુ છે.સાથે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીનાં વર્તમાન હોદેદારો પૈસાનાં જોરે માજી પ્રમુખ સહીત સભાસદોને આવેદનપત્ર કેમ આપ્યુ તે બાબતે જોઈ લેવાની ગર્ભિત ધમકીઓ પણ આપી રહયાનું જાણવા મળ્યુ છે. આ વિવાદમાં એક વધુ ગંભીર મુદ્દો સામે આવ્યો છે.ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં હોદ્દેદારો મંડળીને એક ખાનગી સંસ્થા ગણાવીને સરકારની કોઈ પણ ગ્રાન્ટ ન લેતા હોવાનું જણાવી રોફ જમાવી રહ્યા છે.આ નિવેદન પર સભાસદોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ મંડળીને “બાપાની પેઢી” સમજીને ચલાવી રહ્યા છે અને સ્થાનિક જનજીવનના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, જો આ મંડળીનાં હિસાબ કિતાબોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો સહકારી ક્ષેત્રમાં થયેલા કરોડોનાં ભ્રષ્ટાચારનાં પુરાવાઓ બહાર આવી શકે છે.અત્યાર સુધીમાં આ પ્રકરણ પર કાયદાનો કોઈ અમલ ન થતો હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર મામલો હવે રાજય સરકાર અથવા સ્થાનિક વહીવટી તંત્રની નિષ્પક્ષ તપાસ પર નિર્ભર જોવા મળી રહ્યો છે,જે ડાંગ જિલ્લાનાં આયુર્વેદિક વારસા,પ્રાકૃતિક સંસાધન,રોજગારી સહીત સ્થાનિક લોકોના હિતોનું રક્ષણ કરી શકે છે. અત્રે નોંધનીય છે કે રાજય ભરમાં સહકારી ક્ષેત્રોમાં સગાવાદ જોવા મળે છે.તેવામાં સગાવાદની આડમાં બેફામ ભ્રષ્ટાચારનાં પગલે સહકારી મંડળીઓની પારદર્શીતા અને વિશ્વસનીયતા ઘટી છે.ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી મંડળીમાં પણ માજી પ્રમુખ સહીત સભાસદો દ્વારા વર્તમાન હોદેદારો પર નોકરીમાં સગાવાદનો આક્ષેપ મુક્યો છે.ત્યારે વર્તમાન મંડળીનાં હોદેદારોએ માજી પ્રમુખ પિતા અને કર્મચારી પુત્રનો જ મુદ્દો બનાવી સમગ્ર પ્રકરણને મૂળ સ્થિતિએથી અન્ય દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરાતા શંકાની સાથે તટસ્થ તપાસની માંગ ઉઠી છે..





