જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગેરરીતિ આચરનાર કાલોલ તાલુકાના દુકાનદાર સામે કડક અને કાયદેસરની કાર્યવાહી
તારીખ ૨૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તારીખ ૨૭/૦૯/૨૫ જીલ્લા પુરવઠા અધિકારી ડો.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ ખાતેની એક સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગંભીર ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરરીતિ બદલ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે તેમજ રૂપિયા ૫૬,૨૨૨/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કાર્યવાહીની વિગતો અનુસાર તા.૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે કાલોલ તાલુકાના બાકરોલ ખાતે ઉર્મિલાબેન બી.ગોહિલ સંચાલિત વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જથ્થાની ખરાઈ કરતા દુકાનમાંથી ઘઉંમાં ૨૪૪.૦૦૦ કિલોગ્રામની ઘટ, ચોખામાં ૬૬૪.૭૦૦ કિલોગ્રામની ઘટ, ખાંડમાં ૧૦.૮૦૦ કિલોગ્રામની ઘટ અને તુવેરદાળમાં ૦૧.૫૦૦ કિલોગ્રામની ઘટ તથા ચણામાં ૦૭.૦૦૦ કિલોગ્રામની વધ જેવી ગંભીર ગેરરીતિ જણાઈ આવી હતી. આ ગેરરીતિ અંગે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા જવાબદાર દુકાનદારને નોટિસ પાઠવી કચેરીમાં હાજર રહેવા જણાવ્યું હતું.
દુકાનદારે કરેલ લેખિત ખુલાસો અવલોકને લેતા દુકાનદારે ગેરરીતિ કરી હોવાનું અને પરવાનાની શરતોનો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ થતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી જોગવાઈઓ મુજબ દુકાનદારને રૂપિયા ૫૬,૨૨૨/- નો દંડ કરવામાં આવ્યો છે અને દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે.
આ કિસ્સો દર્શાવે છે કે જિલ્લા પુરવઠા કચેરી દ્વારા ગેરરીતિ આચરનારા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી જિલ્લાના જરૂરિયાતમંદ લાભાર્થીઓના હિતોનું રક્ષણ કરવા સતત સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.