વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૯ સપ્ટેમ્બર : ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છના વિવિધ ગામડાઓમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, નગરપાલિકા તથા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતો, જાહેર સ્થળો, સરકારી વિભાગો, વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો, બાગ-બગીચાઓ, ફૂટપાથ, રસ્તાઓની સફાઇ સાથે સુકા અને ભીના કચરાના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં આવી હતી.જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઇ અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરાઈ હતી. ગ્રામ્યસ્તરે લોકો સક્રીયભાગીદારી સાથે જોડાઇને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી. બેરાજા, કણખોરી, મીઠી રોહર, ગોડપર, સરલી, વીંજાણ રાજપર, સંઘડ, કારાગોગા, ઘરાણા, કાળી તળાવ, ડોણ, કોટડા (જડોદર), ટોડા, પાતિયા, વોંધ સહિતના ગામડાઓમાં રોડ-રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી, તળાવો, ગામના એન્ટ્રી પોઈન્ટ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી, તલાટીશ્રી, આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.