વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ ઓક્ટોબર : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, શાળાના એનસીસી કેડરર્સ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું
દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવવા પ્રેરણા આપવા ઉપરાંત દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકાને ઉજાગર કરવા ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
“એરફોર્સ ડે’ની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલ વાયુસેના શસ્ત્ર પ્રદર્શનમાં એરફોર્સના રડાર, મિસાઈલ અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો અવગત કરાવવામાં આવ્યા હતાં. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, શાળાના એનસીસી કેડરર્સ, નિવૃત્ત સૈનિકો, સૈનિકોના પરિવારજનો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું. આ સાથે જ વર્ષ ૧૯૭૧માં સૈન્યની મદદે આવેલા ભુજના માધાપરની વિરાંગનાઓનું આજરોજ ભુજ એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, યુવાનોને સેનામાં જોડાવાની પ્રેરણા મળે તે હેતુથી વાયુસેના દ્વારા વિવિધ શસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનો દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. ભારતીય વાયુ સેનાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજી કૌશલ્યના પ્રદર્શન સાથે અત્યાધુનિક સાધનોથી નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ પ્રદર્શનમાં રોહિણી રડાર, ગરુડ ફોર્સિસ ઈક્વિપમેન્ટ, પી-૧૯ રડાર અને પેચોરા મિસાઈલ તેમજ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગી એરફોર્સના શસ્ત્રો જેવા કે, ફાઈટર એરક્રાફટ, જમીનથી હવામાં દુશ્મનના એરક્રાફટ અને ડ્રોન સહિતને તોડી પાડવામાં વપરાતી વિવિધ મિસાઈલો, રડાર સિસ્ટમ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોની માહિતી આપવામાં આવી હતી.આ પ્રદર્શન નિહાળવા આવેલા કેરા આઈ.ટી.આઈના વિદ્યાર્થી જેઠી દક્ષભાઈએ જણાવ્યું હતું કે, એર ફોર્સ દ્વારા પ્રોટોકોલ્સને અનુસરવામાં આવ્યા હતા. અહીં વિવિધ મિસાઈલો, રડાર સિસ્ટમ, ગરુડ ફોર્સિસ ઈક્વિપમેન્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત એરફોર્સમાં કારર્કિદી બનાવવા માટે પૂરતુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ આજે તેમને આ પ્રદર્શન દ્વારા સૈન્યની કામગીરીની વિગતવાર માહિતી મળી જે બદલ ભુજ એરફોર્સનો તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.