GUJARATKUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ – સાંઘીપુરમ દ્વારા જાડવા ગામે સિલાઈ તાલીમ વર્ગ શરૂ કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૦૬ ઓક્ટોબર : અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર- સક્ષમ પ્રોજેકટ અંતર્ગતઅદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ – સાંઘીપુરમ દ્વારા લખપત તાલુકાનાં જાડવા ગામે ૧૫ કિશોરીઓ માટે ત્રણ માસ માટે સિલાઈ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો.જો બહેનોનાં હાથમાં કોઈપણ કસબ હશે તો તે આત્મનિર્ભર બની શકશે. જેના માટે તાલીમ એ ખૂબ અગત્યની છે. આ બાબતને ધ્યાને લઈને અદાણી ફાઉન્ડેશન અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર- અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ અને દશેરાના શુભ દિને તેનો પ્રારંભ કરવામાં આવેલ.આ સિલાઈ યુનિટનો પ્રારંભ ખારાઈ જુથ ગ્રામ પંચાયતના જાડવા ગામનાં મહિલા સરપંચ શ્રીમતિ લાખુબેન સેંધાભાઈ રબારીએ મહાનુભાવોની હાજરીમાં કરાવેલ. આ પ્રસંગે લખપત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જસુભા જાડેજા તથા અદાણી સિમેન્ટના સી.એમ.ઓ. માન.શ્રી સંજેય વશિષ્ઠસાહેબ તથા અદાણી સ્કિલ ડેવલપમેન્ટના ચીફ ઓફિસર શ્રી કિરણભાઈ પંચાલ ખાસ ઉપસ્થિત રહેલ.આ સિલાઈ યુનિટની વિગત આપતા કૉમ્યુનિટી મોબિલાઇઝર શ્રી ભાવેશભાઈ એરડા એ કહ્યું કે જ્યારે અમારી ગામની બહેનો સાથે મિટિંગ થાય ત્યારે તેઓની એક જ રજૂઆત આવે કે અમોને ઘર આંગણે કામ કરી શકીએ અને ભવિષ્યમાં અમારી આજીવિકામાં વધારો કરે એવી આવડત વધારવા માટે તાલીમ આપો. મોટાભાગની બહેનોએ સિલાઈ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી એના ભાગરૂપે આજે પ્રથમ ક્લાસમાં ૧૫ બહેનોને આવરી લેતો આ ક્લાસ શરૂ કરી રહ્યાં છીએ. આ ક્લાસની સફળતા બાદ બીજી બહેનોને પણ શીખવાની ઇચ્છા છે, તો એમને પણ શીખવવામાં આવશે. આ ક્લાસ માટે ૧૮ થી ૩૦ વર્ષ ઉમર સુધીની બહેનોને આવરી લીધી છે. જેથી તે પોતાની કેળવેલી આવડતનો લાંબા સમય સુધી લાભ મેળવી શકે.જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જસુભાએ કહ્યું કે અંતરિયાળ ગામડાંઓમા બહેનો માટે ખૂબ ઉપયોગી કામ શરૂ થયું છે. હું અદાણી કંપનીને અભિનંદન સાથે વિનંતી કરું છું કે આ વિસ્તારમાં લોકોને ઉપયોગી થાય તેવા કામની ખાસ જરૂરિયાત છે, જે સમયાંતરે થતાં રહે અને તેમાં અમારી તાલુકા પંચાયતનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે.આ પ્રસંગે કિરણભાઈ પંચાલે પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે હું જ્યારે બહેનોને આગલા દિવસે મળ્યો ત્યારે તેમનો ઉત્સાહ જોઈને અભિભૂત થયો. પોતાને શું શીખવું છે એની સાથે પોતે નિયમિત ક્લાસમાં સમયસર આવશે તેવું જણાવી ને કહ્યું કે અમારા ગામમાં આવી પ્રવૃતિ ચાલુ કરી તે માટે અમો ખૂબ રાજી છીએ. આથી મને લાગ્યું કે અમે ગામ અને બહેનો બંને જરૂરિયાતવાળા પસંદ કર્યા છે.જ્યારે શ્રી સંજેય વશિષ્ઠ સાહેબે જણાવ્યું કે અદાણી સિમેન્ટના ખનીજ વિસ્તારના આ જાડવા ગામે અમોને બહેનોના કામ માટે અવસર આપ્યો અને બહેનોના ચહેરા પર જે હું ખુશી જોઈ રહ્યો છું તેથી ખૂબ આનંદ થાય છે. બહેનોની આવડત વધે, બે પૈસા વધારે કમાઈને પોતાની બચત કરી ખૂબ આગળ વધે તે માટે હું અદાણી સમૂહ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.આ તાલીમ વર્ગ શરૂ કરવા માટે પ્રેરણા અને પીઠબળ પૂરું પાડનાર અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર શ્રી વી.એસ. ગઢવી સાહેબે શુભેચ્છા સંદેશ પાઠવેલ કે અદાણી ફાઉન્ડેશન હમેશા બહેનો એક આવડત કેળવીને આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરે છે. આજે જાડવા ગામની બહેનોને જ્યારે આ તક મળી છે ત્યારે તેઓ આવનારા દિવસોમાં પોતાનામાં સિલાઈની આવડત કેળવીને પોતાના પરિવાર માટે સાચા અર્થમાં આધાર બને તેવી શુભેચ્છા પાઠવું છું.ગામનાં સરપંચ બહેન શ્રીમતિ લાખુબેને કહ્યું કે અમારા ગામની દીકરીઓ માટે ખૂબ સારી વાત છે. અહીનું શીખેલું તેમના સાસરિયાંમાં પણ કામ આવશે. અદાણી ફાઉન્ડેશનનો અમો આભાર માનીએ છીએ. આ સ્થળેથી સિલાઈ શીખવનાર બહેનશ્રી કિર્તીબેનનું શાલથી સન્માન કરી તેનો પરિચય સાથે તાલીમ દરમ્યાન રાખવાની કાળજી અને જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવેલ.આ પ્રસંગે ગામનાં ૨૦૦ થી વધારે ભાઈ-બહેનો હાજર રહીને ઉત્સાહમાં વધારો કરેલ. ગામનાં અગ્રણીઓ સર્વશ્રી ભોજાભાઈ પનાભાઈ રબારી, માંડાભાઈ કલા ભૂવાજી, પનાભાઇ જુમાભાઇ રબારી, નગાભાઈ રબારી, હમીરભાઈ રબારી,સોમા જલા ભૂવાજી, મંગુ ખેંગાર ભૂવાજી,જીવાભાઈ ભારા ભૂવાજી, સેંધાભાઈ હમીર ભૂવાજી, ડુંગરબાપા રબારી,રામા લખમીર રબારી તથા તાલીમાર્થી બહેનો તેમના પરિવારનાં સભ્યો હાજર રહેલ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું શાલથી સન્માન તાલીમાર્થી બહેનોએ કરેલ અને મહેમાનો દ્વારા તાલીમાર્થી બહેનોને સિલાઈ યુનિટ માટેની કીટ અર્પણ કરવામાં આવેલ. મહેમાનોને આવકાર સિનિયર ઓફિસર પ્રકાશભાઈ મકવાણાએ આપેલ, જ્યારે કાર્યક્રમનું સંચાલન નિશાંતભાઈ જોશી દ્વારા તથા આભારવિધિ ભાવેશભાઈએ કરેલ.

Back to top button
error: Content is protected !!