BHUJGUJARATKUTCH

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ વિશેષ ભુજ તાલુકાનું કુનરીયા ગામ બન્યું કચ્છનું સ્વચ્છ “મોડેલ ગામ”

કુનરીયાની નવતર પહેલ: જે ઘર, ફળીયું, મહોલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને ગ્રામસભા દરમિયાન ઈનામ આપી સન્માનિત કરાય છે સરપંચ રશ્મિબેન છાંગા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

સરકારની વિવિધ યોજનાઓ અને સહયોગથી વિકાસ તરફ આગળ ધપતું કચ્છનું કુનરીયા ગામ

ભુજ,તા-૧૦ ઓક્ટોબર : તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૭ ઓકટોબર ૨૦૦૧ના ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાણી થઈ રહી છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને તથા રાજ્ય સરકારના સહયોગથી કચ્છના ગામડાઓ વિકાસ સાધી ખરા અર્થમાં વિકાસયાત્રામાં સહભાગી બની રહ્યા છે. આવા જ વડાપ્રધાનશ્રીના “સ્વચ્છ ભારત મિશન”ના ધ્યેયને કચ્છના ભુજ તાલુકાના એક ગામે સાર્થક કરી બતાવ્યું છે. કચ્છમાં આવેલું કુનરીયા સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિશાલ બની સ્વચ્છ “મોડેલ ગામ” તરીકે ઉભર્યું છે.કચ્છના ભુજ તાલુકાનું કુનરીયાએ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું. આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથે મળીને વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે. કુનરીયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે. રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામજનો સરકારશ્રીના અભિયાનોને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોશે હોંશે ભાગ લે છે. કુનરિયા ગામ સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ સાથે કચ્છનું આ ગામ વિકાસ તરફ મંડાણ કરી રહ્યું છે. કચ્છમાં સ્વચ્છતામાં અગ્રેસર તથા અનેકવિધ યોજનાથી લાભાન્વિત થયેલા આ વિકસતા ગામ વિશે જાણીએ કુનરીયા ગામના સરપંચ રશ્મીબેન છાંગા પાસેથી.કચ્છના ભુજ તાલુકાના કુનરીયા ગામના સરપંચશ્રી રશ્મિબેન છાંગા જણાવે છે કે, કુનરીયાને મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો અમલ આ નાનકડા ગામમાં જોવા મળે છે. સરકારના સાથ અને ગ્રામજનોના સહયોગથી ગામ વિકસિત બની રહ્યું છે. રશ્મિબેને ઉમેર્યું હતું કે, સ્વચ્છતા બાબતે વાત કરવામાં આવે તો ગામમાં જાહેર શૌચાલય છે. સરકારશ્રીની મદદથી કુનરિયા ૧૦૦% ઘરોમાં શૌચાલય ધરાવતું ગામ બન્યું છે. આ સાથે બાયોગેસ પ્લાન્ટ, સેગ્રીગેશન શેડ તથા ૫૦ જેટલા ઘરોમાં ગોબરગેસ પ્લાન્ટ પણ બનાવી આપવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશનની પહેલ અંતર્ગત ગામમાં ૫૦૦ જેટલા ઘરોમાં ભીના અને સૂકા કચરાની કચરાપેટીનું વિતરણ કરાયું છે. આ સાથે જ ગામમાં કચરો એકત્રિત કરતી ઈલેક્ટ્રીક રીક્ષાની પણ ભેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે. જેથી ગામમાં ઘરે ઘરથી કચરો એકઠો કરવો સરળ બન્યું છે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એક બીજાના પૂરક છે. તેથી સ્વચ્છતા જળવાશે ત્યારે આરોગ્ય પણ સારુ થશે. જ્યારે ગામનો દરેક નાગરિક સ્વસ્થ રહેશે ત્યારે જ ગામનો વિકાસ શક્ય બનશે. આ સાથે જ સરપંચશ્રી ઉમેરે છે કે, ગામમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કિશોરીઓ અને મહિલાઓને સેનેટરી પેડ વિતરણ, શાળાઓમાં અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને આરોગ્ય શિબિર યોજી મહિલાઓમાં જાગૃતિ સાથે આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવે છે. કુનરિયા ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે ગ્રામપંચાયત દ્વારા કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. વધુમાં રશ્મિબેને જણાવ્યું હતું કે, સરકારશ્રીના સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી બનવા માટે ગ્રામપંચાયત દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં દર મહિને ગ્રામસભા દરમિયાન જે ઘર, ફળીયું, મહોલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને જાહેરમાં ઈનામ આપીને સન્માનિત કરવામાં આવે છે. તેથી કુનરીયા ગામમાં એક ઘર બીજા ઘરથી પ્રેરણા લઈને પોતાનું ઘર સ્વચ્છ તો આંગણું, શેરી અને ગામ સ્વચ્છની વિભાવના સાર્થક થઈ છે.રાજ્ય સરકારની અનેકવિધ વિકાસની યોજનાઓ તથા ગામના વિકાસમાં મળેલ સહયોગ બદલ કુનરીયા ગામ કચ્છમાં “મોડેલ ગામ” તરીકે ઉભરી આવ્યું છે. જે બદલ ગ્રામજનો તરફથી સરપંચશ્રીએ આનંદની લાગણી સાથે સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!