
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સતત અનિયમિત વરસાદ પડતા ડાંગ નવસારી સહિત વલસાડ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઊભા પાકમાં નુકશાની થતા મોઢે આવેલો કોઢિયો છીનવાઈ ગયો હોય તેવી નોબત આવી છે. ડાંગ વલસાડ સહિત નવસારી જીલ્લાના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.ચોમાસાની વિદાય બાદ સામાન્ય રીતે સૂકું વાતાવરણ જોવા મળતુ હોય છે,ત્યારે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ અનિયમિત હાજરી નોંધાવી છે.છૂટાછવાયા વરસાદના આ માહોલે જ્યાં એક તરફ પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, ત્યાં બીજી તરફ તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતો માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. આ જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ અને બપોર બાદ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. તે જ રીતે વલસાડ ખેરગામ ચીખલી નવસારી ચીખલી વાંસદા વઘઇ સુબિર અને સાપુતારામાં પણ ઝરમર અને મધ્યમ સ્વરૂપનો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે અને સુંદર હરિયાળી વધુ ખીલી ઉઠી છે.અહીં આવેલા પ્રવાસીઓએ આ ખુશનુમા માહોલની ભરપૂર મજા માણી હતી, જોકે વરસાદને કારણે ગિરિમથકના કેટલાક માર્ગો પર ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યુ હતુ.ડાંગ જિલ્લો સંપૂર્ણપણે કૃષિ આધારિત હોવાથી આ કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. આ વિસ્તારનો મુખ્ય પાક ડાંગર છે અને હાલમાં મોટાભાગના ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ડાંગર, નાગલી અને વરાઈ જેવા પાક કાપણી પહેલા જ જમીન પર ઢળી પડવાની શક્યતા છે. તૈયાર પાકને ભેજ લાગવાથી તેની ગુણવત્તામાં મોટો ઘટાડો થશે, જેના કારણે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે. કઠોળ જેવા પાક જે સૂકવવાની પ્રક્રિયામાં છે, તેમાં પણ નુકસાન થવાની શક્યતા છે. જો આ વરસાદ વધુ સમય ચાલશે તો આખા વર્ષની મહેનત પાણીમાં જશે અને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. રાજ્ય સરકારે આ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને વળતર ચૂકવવું જોઈએ તેવી માંગણી ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે.સમગ્ર ડાંગ જિલ્લામાં આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં પ્રકૃતિ હરીભરી બની છે, ત્યાં ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી છે.
બોક્ષ:-(1) વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે કમોસમી વરસાદથી ડાંગરના પાકના નુકસાન અંગે રાહત સહાય માટેની ભલામણ કેબિનેટ મંત્રી કૃષિ વિભાગનાં જીતુભાઈ વાઘાણીને કરી છે.વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે આ ભલામણમાં વલસાડ લોકસભા વિસ્તાર હેઠળનાં વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડેલ હોય, આવા સમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર થયેલ પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સાંસદ ધવલ પટેલે જીતુભાઈ વાઘાણી ને પત્ર લખ્યો છે..






