
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ નવેમ્બર : ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત ગુરૂદ્વારાની મુલાકાત લઈને જીવમાત્રના કલ્યાણની અરદાસ ગુરૂ નાનકજીના દરબારમાં લગાવી હતી.લખપત ગુરૂદ્વારાની પવિત્ર ભૂમિના દર્શનના અવસર બદલ ધન્યતાની લાગણી અનુભવી નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તો લખપત આવે છે અને બાબાજીના દરબારમાં શીશ નમાવે છે. નાયબ મુખ્યમંત્રી એ લખપત ગુરૂદ્વારાના ભૂકંપ બાદના નવીનીકરણનો શ્રૈય વડાપ્રધાનશ્રીને આપ્યો હતો. લખપત વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ગ્રામજનોએ લખપત કિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છના લખપત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, સરહદી સુરક્ષા જેવા બાબતોથી નાયબ મુખ્યમંત્રી અવગત થયા હતા. લખપત ખાતેના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય અને ગણપતભાઈ રાજગોર, રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુડા સહિતના અધિકારી ઓ, પદાધિકારી ઓ તેમજ શીખ સમુદાયના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











