ARAVALLIGUJARATMODASA

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ભગવાન બિરસા મુંડાનાં વિચારો…

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ભગવાન બિરસા મુંડાનાં વિચારો…

જનજાતિ સમાજ શતકોથી વનમાં રહેતો આવ્યો છે. દેશના અનેક ભાગોમાં શાસન કરતો આ સમાજ વનરક્ષક તરીકે પોતાની માને છે. આ સમાજની સંસ્કૃતિ અને કલા ચીર કાલીન છે. મુસ્લિમ આક્રાંતાઓ, ઈસાઈઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ આ સમાજને અને તેની સંસ્કૃતિને કચડી નાંખવાના પ્રયાસો થયા અને આતતાયી યાતનાઓ આપવામાં આવી. ઈસ્ટ કંપની એ તો કાળો કેર વર્તાવ્યો. ૧૮૫૮માં જમીનદારી વ્યવસ્થાના ભાગરૂપે લાલચુ ઠેકેદારોને વનમાં વસાવ્યા અને તેની ઉપર અંગ્રેજ અધિકારીઓની નિમણુંક કરી.

૧૮૫૭ પછી અંગ્રેજોનો સમજાઈ ગયું હતું કે ભારતમાં શાસન કરવું હશે તો ભારતીય સમાજના ભાગલા કરવા પડશે અને તેની સંસ્કૃતિને હણવી પડશે. તેથી અંગ્રેજી સરકારે તેની તરફથી નવા-નવા કાયદાઓ લગાવવા માંડ્યા અને સાથે પાદરીઓ તથા ચર્ચના માધ્યમથી સંસ્કૃતિ, પરંપરા અને દેવી-દેવતાઓ ઉપર પણ પ્રહાર કરવા લાગ્યા.આ દરમિયાન અંગ્રેજી ભાષાનું ચલણ તેમણે વધાર્યુ. જનજાતિ સમુદાયને અંગ્રેજી સમજવા દુભાષીયાઓની જરૂર પડવા લાગી. અને આ દુભાષીયાઓ પણ સમાજનું શોષણ કરવા લાગ્યા. પરિણામે એ આવ્યું કે સમાજ અને અંગ્રેજો વચ્ચે સંઘર્ષ જન્મ્યો અને લોકોને યાતનાઓ આપવા સરકાર ખોટા અને નકામા આક્ષેપો હેઠળ સજા આપવા લાગી.મીશનરી સ્કૂલમાં દાખલ ધર્માંતરણ જરૂરી હતું તેવા કપરા સમયે, આવી કસોટીના કાળમાં, એક આશાનું કિરણ, એવા એક તેજસ્વી બાળકનો જન્મ મૂંડા જનજાતિમાં ભારતના પૂર્વમાં આવેલ ઝારખંડ રાજ્યમાં પ્રકૃતિની ગોદમાં થયો હતો. ૧૮૭૫માં જ્યારે અંગ્રેજી હુકુમત જનજાતિ સમાજને ચોતરફથી હેરાન-પરેશાન કરતી હતી ત્યારે માતા કરમી અને પિતા સુગ મૂંડાને ત્યાં ઝારખંડ રાજ્યનાં છોટાનાગપુર વિસ્તારના ઉલીહાતુ ગામમાં ૧૫ નવેમ્બર ૧૮૭૫માં બિરસાનો જન્મ થયો.

બાળપણથી જ તેજસ્વી અને ગૂઢ ચિંતન કરતાં બિરસા માટે લોકો કહેતા કે આ બાળક મોટો થઈ “આબા” બનશે. આવા બાળક માટે ભણતર મેળવવું એ કોઈ સાહસથી ઓછું ન હતું. કોઈપણ શાળામાં ભણવા માટે ધર્માંતરણ ફરજીયાત હતું. અક્ષરજ્ઞાન અને સંસ્કૃતિનું જ્ઞાન જયપાલ નાગ પાસે મેળવ્યા બાદ જ્યારે બિરસા ધર્માંતરણ બાદ શાળામાં પ્રવેશ્યા તો ત્યાંનાં પ્રસંગોથી તેઓ અવાચક બની ગયા. કુતુહલવશ તેઓ પ્રશ્નો કરતા અને તેના જવાબો આપવામાં ક્રિશ્ચન પાદરીઓ નારાજ થતાં. આથી, બિરસાને ૧૫ વર્ષની ઉંમરે જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા.બાળપણથી જિજ્ઞાસુ એવા બિરસાએ ત્યારબાદ રામાયણ અને ગીતા જેવા પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કરી, તેનાથી પ્રેરિત થઈ, જ્ઞાન પ્રાપ્ત કરી કપાળે ચંદન, શરીર પર જનોઈ, પીળા વસ્ત્રો અને પગમાં પાદુકા ધારણ કરવા લાગ્યા. સમાજ જાગરણ માટે ધર્મ ગ્રંથોની વાતો કરવા લાગ્યા. તેમના વિચારો હતાઃ

ઈશ્વર એક જ છે. સિંગબોગા એક જ ઈશ્વર છે.

પશુઓ પર દયા કરો, ગાયની સેવા કરો.

માંસ-મદીરાનું સેવન ન કરો.

સ્વચ્છ, સુઘડ-સાત્ત્વિક જીવન જીવો.

ઘરને સ્વચ્છ રાખો, તુલસીના રોપ વાવો.

પરધર્મથી દૂર રહો, સ્વધર્મનું આચરણ કરો.

કુસંગતિથી દૂર રહો.

વિધર્મીઓની મોહજાળમાં ન ફસાવ, પોતાની સંસ્કૃતિને ન છોડો.

શું આ વિચારો વર્તમાનમાં પણ એટલા જ પ્રસ્તુત નથી…?

સમગ્ર સૃષ્ટિના સર્જક અને નિયંતા, સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના આપણાં વિચારો એક જ છે. ઈશ્વર કોઈ પણ સ્વરૂપે ભજીએ પણ તે એક જ છે. ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં તમામ જીવ જંતુનું રક્ષણ કરવું એ માનવ સમાજની જરૂરિયાત છે. આજના Global Warming યુગની જ જરૂરિયાત છે. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સિદ્ધાંતો આજે પણ આપણે સ્વચ્છ સ્વસ્થ જીવનના આધાર છે. Covid-19 સમયે સ્વચ્છતાના ફાયદાઓથી આપણે સૌ પરિચિત છીએ.

“પરમધર્માં મયાઃ”નાં સિદ્ધાંતો આપણે ભગવદ ગીતાની યાદ અપાવે છે. જેમાં જીવન જીવવાના તમામ પાસાઓ સમાયેલા છે. કહેવાય છે કે માનવ જ્યારે મૂંઝવણનો શિકાર બને છે, તો તેના પ્રશ્નોના સમાધાન ગીતા જેવા ગ્રંથોમાં મળે છે. જ્યારે આપણો ધર્મ જીવનને સત્યમ શિવમ બનાવવા સક્ષમ હોય તો બીજે જોવાની આવશ્યકતા ક્યાં છે..?બિરસાએ આપેલી આ વિચારધારા આજે પણ એટલી જ પ્રસાંગિક છે અને સમાજ જાગરણનું કાર્ય કરનારી છે. આવા આ ધરતીનાં આબા, સમાજ જાગરણનાં પ્રણેતા ભગવાન બિરસા મુંડાનાં ૧૫૦માં જન્મ જયંતિ પ્રસંગે તેઓને આપણાં શત શત નમન.

Back to top button
error: Content is protected !!