GUJARATKUTCHMANDAVI

માંડવી ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના ૧૮૧ પરિવારોને સનદ વિતરણ કરીને રહેણાંક જમીન હક્કો એનાયત.

માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત મહાનુભાવોના વરદહસ્તે સનદ વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માત્ર સનદ જ નહીં પણ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ તમામ ૧૮૧ લાભાર્થીઓને ઘરનું ઘર બનાવવા મંજૂરી હુકમ અપાયા.

માંડવી,તા-૧૪ નવેમ્બર : કચ્છના માંડવી શહેર ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના ૧૮૧ લાભાર્થીઓને સનદ વિતરણ કરીને જમીનની માલીકીના રહેણાંક હક્કો એનાયત કરવામાં આવ્યા હતા. માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારવાડી-બાવરી સમાજના લાભાર્થીઓને હાથોહાથ સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક લાભાર્થીઓને વિનામૂલ્યે ૭૫ ચોરસ મીટરના રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. માત્ર જમીન માલિકી હક્ક જ નહીં પણ આ તમામ લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવરી લઈને આવાસ યોજના માટે પ્રતિ ઘરદીઠ રૂ. ૧.૭૦ લાખની સહાયની મંજૂરીના હુકમો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા.ઘરના ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે એ બાબતે ખુશીની લાગણી વ્યક્ત કરતા માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ જણાવ્યું હતું કે, ગરીબો, વંચિતો પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય એ રહેણાંક હેતુ માટે ફાળવેલા પ્લોટનો ઉપયોગ કરી ઘર બનાવવા તેમજ દીકરા-દીકરીઓને ભણાવવા અનુરોધ કર્યો હતો. કાચા ઝૂંપડામાંથી પાકા મકાન મેળવવા બદલ ધારાસભ્ય એ સૌ લાભાર્થીઓ પરિવારોને અભિનંદન પાઠવીને સ્વમાનભેર મહેનતથી જીવનનિર્વાહ કરવા અને બાળકોને ભણાવવા અપીલ કરી હતી. તેઓએ બાવરી મારવાડી સમાજના સ્મશાનના પાકા રસ્તાના નિર્માણ અંગે ગ્રાન્ટ ફાળવણી તેમજ ટૂંકા ગાળામાં ઉકેલનો વિશ્વાસ અપાવ્યો હતો. કચ્છ કલેક્ટર આનંદ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, બાવરી મારવાડી સમાજના રહેણાંક હેતુ માટેના પ્લોટનો પ્રશ્ન ધારાસભ્ય, સામાજિક આગેવાનો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી હલ થયો છે. કચ્છ કલેક્ટર એ વિચરતી વિમુક્ત સમાજ માટે સરકાર દ્વારા અમલી અનેક કલ્યાણકારી યોજનાઓ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. ઘરના ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે તેમાં એક માધ્યમ બનવા બદલ કચ્છ કલેક્ટર એ ખુશીની લાગણી વ્યક્ત કરીને બાવરી મારવાડી સમાજ બાળકોને ભણાવે તે બાબત પર ભાર મૂક્યો હતો. કલેક્ટરશ્રીએ મહિલા શિક્ષણ, રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, વૃક્ષો વાવવા અને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનવા જણાવ્યું હતું. બાવરી મારવાડી સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપીને ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન માંડવી મામલતદાર પ્રદ્યુમ્નસિંહ જેઠવાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ નાયબ મામલતદારશ્રી ત્રિકમભાઈ દેસાઈએ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, અગ્રણી દર્શનભાઈ ગોસ્વામી, મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ) એસ.એન.બારૈયા, નગરપાલિકા ચીફ ઓફિસર જિગ્નેશ બારોટ, બાવરી મારવાડી સમાજના અગ્રણીઓ સર્વ હંસાબેન, ડાયાભાઈ જગાભાઈ, ઉમાબેન, રાજુભાઈ સહિત નગરસેવકો, લાભાર્થીઓને અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!