
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ નવેમ્બર : પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા.એકતા અને અખંડિતતાના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રાગપર આશાપુરા મંદિરથી ન્યુ મુંદરા સુધીની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને ફ્લેગ ઓફ આપી ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણમાં યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા.આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા, સ્વદેશી જીવનશૈલી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ ગતિ આપવા આગળ આવવું જોઈએ.તેઓએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલના પ્રયાસોના લીધે આજે અખંડિત ભારતનું નિર્માણ થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી સરદાર વલ્લભભાઈની વિરાટ પ્રતિમા બનાવી, વિશ્વના ખૂણે ખૂણે તેમના વિચારોને પહોંચાડ્યા છે. તેમણે આ તકે નાગરિકોને સ્વદેશી વસ્તુઓના મહત્તમ ઉપયોગ કરીને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રી દિશાદર્શનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર મક્કમતા સાથે આગળ ધપી રહી છે. ત્યારે તમામ ભેદભાવથી ઉપર ઉઠીને એકતાના મંત્રને સાર્થક કરવા આપણે સૌ આગળ વધીએ તે જ સરદાર પટેલને ખરી શ્રદ્ધાંજલિ હશે. પ્રત્યેક નાગરિકમાં દેશને સમર્પિત થવાની ભાવના જાગૃત થાય તેવા હેતુ સાથે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. ત્યારે આપણે પણ તેને જીવનમાં ચરિતાર્થ કરીને તેમના આદર્શો મુજબ જીવન જીવવાનું છે.માંડવી વિધાનસભા વિસ્તારની પદયાત્રા પ્રાગપર આશાપુરા મંદિરથી શરૂ થઇને મોટા કપાયા, નાના કપાયા, શક્તિનગર તથા ન્યુ મંદરા પૂર્ણ થઇ હતી. પદયાત્રામાં “વંદે માતરમ્” તથા “ભારત માતા કી જય” ના જયઘોષ સાથે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન સાથે મહાનુભાવો સહિતના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અગ્રણીશ્રી ડૉ. સંજયભાઇ દેસાઇ, પ્રાંત અધિકારીશ્રી ભગીરથસિંહ ઝાલા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.






