
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની કડમાળ ગ્રામ પંચાયત અને આસપાસના વિસ્તારોમાં દીપડાના સતત વધી રહેલા ત્રાસના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. થોડા જ દિવસોમાં દીપડાએ બે વખત પાલતુ પશુઓ પર હુમલો કરી તેમને ફાડી ખાતા લોકોની ચિંતા વધી છે.પ્રથમ ઘટના (કડમાળ)માં બની જેમાં થોડા દિવસો પહેલા કડમાળ ગામે તુકારામભાઈ સીતારામભાઈની બકરી પર દીપડાએ હુમલો કર્યો હતો અને તેને ફાડી ખાધી હતી.બીજી ઘટના (થોરપાડા) બની છે આજ રોજ કડમાળ ગામની બાજુમાં આવેલા થોરપાડા ગામે ફરી એક હુમલો થયો હતો. સાંજે 7.00 કલાકની આસપાસ દીપડો બકરી પાલક ખેડૂત અવસીબેન બદિયાભાઈ ગાયકવાડના ઘરમાં ઘૂસી ગયો હતો. દીપડાએ તેમની બકરી પર હુમલો કરીને તેને મારી નાખી હતી અને તેનું લોહી પી ગયો હતો.આ બંને ગંભીર ઘટનાઓને કારણે કડમાળ અને થોરપાડા સહિત આજુબાજુના ગામોમાં લોકો રાત્રીના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતોમાં ભારે દહેશત જોવા મળી રહી છે, જેમના પશુધન પર જોખમ તોળાઈ રહ્યું છે.તેવામાં નુકસાન પામનાર પશુપાલકને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.દીપડાના હુમલામાં પોતાના પશુ ગુમાવનાર બકરી પાલક ખેડૂત અવસીબેન બદિયાભાઈ ગાયકવાડ દ્વારા તાત્કાલિક વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) સમક્ષ નુકસાનીનું વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.પશુધન એ આ ખેડૂત પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન હોવાથી, વન વિભાગ દ્વારા નિયમો અનુસાર ઝડપથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક અસરથી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની અને પેટ્રોલિંગ વધારવાની સખ્ત માંગણી કરી છે, જેથી માનવ વસાહતોમાં દીપડાના ઘૂસણખોરીના બનાવો અટકાવી શકાય અને લોકો ભયમુક્ત વાતાવરણમાં રહી શકે.વન વિભાગને અપીલ છે કે આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી ગામલોકોને સુરક્ષા પૂરી પાડે અને નુકસાન પામેલા ખેડૂતને વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે..





