ઝેટા ગામના લોકોએ પોલીસને બોલાવી કરી દારૂબંધી,સમગ્ર ગામલોકો ઉપસ્થિત રહ્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાના ઝેટા ગામમાં દારૂબંધીને લઈને ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગામમાંથી દારૂનું દુષણ નાબૂદ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બોલાવી બુટલેગરોની યાદી સુપરત કરી હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી અને વિદેશી દારૂના દુષણને દૂર કરવાનો તેમજ યુવાધનને બરબાદ થતું અટકાવવાનો હતો. ગ્રામજનો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન હતા અને ગામમાં દારૂબંધી કડકપણે લાગુ કરવા માંગતા હતા. આયોજિત બેઠકમાં ગામના સરપંચ સહિત યુવાનો, આગેવાનો, વડીલો અને
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સર્વસંમતિથી દારૂબંધીને કડકપણે લાગુ કરવા સંકલ્પ કર્યો હતો.
ગ્રામજનોએ પોલીસ અધિકારીઓને ગામમાં બોલાવીને દારૂનું વેચાણ કરતા બુટલેગરો અને અસામાજિક તત્વોની સંપૂર્ણ યાદી સુપરત કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પોલીસે ખાતરી આપી છે કે બુટલેગરો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. દારૂ વેચનારાઓ સામે તટસ્થ તપાસ કરી કાયદેસરનો ગુનો દાખલ કરાશે.પોલીસે એ પણ ખાતરી આપી છે કે પુરાવા વગર ખોટા કેસોમાં ફસાવવામાં આવશે નહીં કે એટ્રોસિટીના ગુના દાખલ કરવામાં આવશે નહીં. ગામમાં બહારથી દારૂ પૂરો પાડતા તત્વો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. ગ્રામજનો અને આગેવાનોએ આ પહેલમાં પોલીસના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




