AHAVADANGGUJARAT

વઘઈમાં ડીમોલેશનની નિશાનીઓ મુદ્દે વેપારીઓમાં ભારે રોષ:નક્કી માપ 09 મીટર છતાં 12 મીટરની નિશાનીઓ થતા અસંતોષ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ નગરમાં તાજેતરમાં સીટી સર્વે વિભાગ દ્વારા કરવામાં આવેલી ડીમોલેશનની નિશાનીઓની કાર્યવાહીને લઈને વેપારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓના આક્ષેપ મુજબ, સરકારી ચોપડે અને નકશામાં નોંધાયેલ માપ કરતાં વધારે માપની નિશાનીઓ કરવામાં આવતાં તેમની દુકાનો અને મિલકતો પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, સીટી સર્વેના નકશા, ગ્રામ પંચાયત અથવા ટાઉન પ્લાનિંગના નકશા મુજબ વઘઈ ચાર રસ્તાથી મંદિર ચાર રસ્તા સુધી રસ્તાના મધ્યભાગથી 09 મીટર (કુલ 18 મીટર) રસ્તો દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ, મંદિર ચાર રસ્તાથી દુધ શીત કેન્દ્ર સુધી 12 મીટર (કુલ 24 મીટર) રસ્તો સરકારી ચોપડે નોંધાયેલો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ જ પ્રમાણે વઘઈ ચાર રસ્તાથી મંદિર ચાર રસ્તા સુધી 09 મીટરના માપની ગટર બનાવવામાં આવી છે અને પછીના ભાગમાં 12 મીટરના માપ પ્રમાણે ગટર બનાવવામાં આવેલી છે.તેમ છતાં, સીટી સર્વે વિભાગ દ્વારા વહીવટી તંત્રને ‘ઉંધા માર્ગે’ દોરીને વઘઈ ચાર રસ્તાથી દુધ શીત કેન્દ્ર સુધી આખા વિસ્તારમાં 12 મીટરના માપ પ્રમાણે ડીમોલેશનની નિશાનીઓ કરવામાં આવતાં વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.વેપારીઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે નકશા તથા આધારીત દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વગર જ આ નિશાનીઓ કરવામાં આવી રહી છે, જે સીધી રીતે તેમની દુકાનો, મિલકતો અને રોજીરોટી પર ગંભીર અસર પહોંચાડી શકે છે. વેપારી વર્ગનું કહેવું છે કે વાસ્તવિક માપણી કર્યા વગર 12 મીટરની લાઇન દોરવી ગેરવ્યવહાર ગણાય અને આવા પગલાં વેપારી વર્ગને અન્યાયમાં ધકેલી શકે છે.સ્થાનિક વેપારી મંડળે પણ આ મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો છે અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સાચી માપણી કરીને નકશા મુજબ જ કાર્યવાહી કરવાની માંગ કરી છે.  વેપારી મહાજન દ્વારા જિલ્લા પ્રશાસનને વાસ્તવિક પરિસ્થિતિની તપાસ કરીને ન્યાયસંગત નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે, જેથી વેપારીઓમાં વ્યાપેલ તણાવ દૂર થઈ શકે. વેપારીઓએ અત્યાર સુધી તંત્રને આપેલા સહકારની લાગણી વ્યક્ત કરતાં આગળ પણ સહકાર આપવાની અપેક્ષા રાખી છે, પરંતુ તે ન્યાય સંગત કાર્યવાહી થાય તો જ શક્ય બને.વહીવટી તંત્ર દ્વારા વેપારીઓના રોષ અને આક્ષેપો અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને ગેરકાયદેસર બાંધકામો પર કોઈ પગલાં લેવાય છે કે કેમ, તે જોવું રહ્યુ.બોક્સ:-(1)ભ્રષ્ટાચારના આક્ષેપો અને હાઇકોર્ટ સુધી વાત…એક બાજુ નિયમિત વેપારીઓ માપણીની વિસંગતતાથી પરેશાન છે, ત્યારે બીજી તરફ વઘઈ સીટી સર્વે કચેરીની ‘રહેમ નજર’ હેઠળ ‘ગાંધી છાપ નોટ’ લઈને લાખોની મહામૂલ્ય સરકારી જમીન પર ગેરકાયદેસર લાખોના બંગલા ઉભા થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામ બાબતે કોઈ તંત્ર કાર્યવાહી કરશે ખરું, તેવો સવાલ ઉઠ્યો છે. એક પીડિત આદિવાસી જાગૃત નાગરિક દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ બાબતે મુખ્યમંત્રી અને હાઇકોર્ટમાં કાર્યવાહી કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે.

Back to top button
error: Content is protected !!