મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

7 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી: આવનાર પેઢીને ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી આપીએ:- મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
વન્ય જીવોનું કુદરતી ઘર એટલે જંગલ: તેમને બહારનો ખોરાક ન આપવાના સંદેશ સાથે લોકોને માર્ગદર્શન પૂરું પાડતા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
મંત્રીશ્રીના હસ્તે ઈકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને વિકાસ માટે રૂ.૧૦ લાખનો ચેક અર્પણ કરાયો.મંત્રીશ્રી અને મહાનુભાવોએ બાલારામ અભયારણ્યને પ્લાસ્ટિક ફ્રી બનાવવા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકને એકઠું કરીને નિકાલ કરાયો.બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ગ્રામ્ય લોકોના સહયોગથી આજે પ્લાસ્ટીકનો કચરો એકઠો કરીને નિકાલ કરાશે.રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દર્શનાર્થે આવતા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરીએ તે જરૂરી છે. તેમણે કહ્યું કે, રોજિંદા જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યા પછી ફેકી દઈએ છીએ જે પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં પડી રહીને પ્રદૂષણ ફેલાવે છે અને પ્રકૃતિને મોટાપાયે નુકસાન પહોંચાડે છે. આપણે સૌ કોઈ સાથે મળીને આપણા ઘર, શેરી, ગામડા, ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક ફ્રી બનાવવા છે. આવનાર પેઢીને આપણે શીખવવું પડશે કે ફક્ત ઈકો ફ્રેન્ડલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવું તે સૌની નૈતિક જવાબદારી છે.
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, પ્રકૃતિમાં વસવાટ કરતા પશુ-પક્ષી અને પ્રાણીઓ માટે જંગલ જ તેમનું ઘર છે. વન્યજીવો કુદરતી બેલેન્સ સાથે જીવતા હોય છે અને તેમને જંગલમાં જ ખોરાક મળી રહેતો હોય છે જેથી કરીને તેમને બહારનો ખોરાક ના આપવો જોઈએ તેમ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો જિલ્લો છે, અહીં જંગલ, પાણી, રણ, ખનીજ તમામ પ્રકારની કુદરતી સંપતિ રહેલી છે જેનું રક્ષણ કરવું એ સૌની જવાબદારી બને છે. આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લો ઈકો ટુરિઝમનું હબ બને તે દિશામાં કામ આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ ઈકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિમાં પીપળ અને તુલસીની પૂજા કરીને પ્રકૃતિના રક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે ત્યારે તમામ યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીને જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પર્યાવરણ માટે રાક્ષસ સમાન છે. જંગલ વિસ્તારમાં ખાખરાના પાન જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ અને કચરો નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાંખવો જોઈએ.
આ પ્રસંગે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવો અને અધિકારીઓએ બાલારામ અભયારણ્ય સ્થિત મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકને એકઠું કરાયું હતું જેનો ટ્રેક્ટરની ટ્રોલી મારફત નિકાલ કરવામાં આવ્યો હતો. આજરોજ બનાસકાંઠા વન વિભાગ, ક્રેડાઈ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ અને ગ્રામ્ય લોકોના સહયોગથી કુલ ૫૦ થી વધુ ટ્રેક્ટર પ્લાસ્ટીકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરાશે.
આ કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, શ્રી પી.જી.ગાર્ડી સહિતના વન વિભાગના અધિકારીશ્રીઓ, ચિત્રાસણી સરપંચશ્રી, વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 











