ભરૂચના આકાશમાં તિરંગો લહેરાયો, સારંગ-આકાશગંગાના કરતબ જોઈ હજારો લોકો થંભી ગયા



સમીર પટેલ, ભરૂચ
ચાર ધ્રુવ હેલિકોપ્ટરની ગગનભેદી કલાબાજીઓ, ૮૦૦૦ ફૂટથી ત્રિરંગા લહેરાવતા આકાશગંગા ના જવાનો : હજારો ભરૂચવાસીઓની આંખો કરતબ જોઈ પહોળી થઈ, બાળકોના મનમાં વાયુસેનાનું સપનું જાગ્યું
ભરૂચ શહેરે આજે એક અવિસ્મરણીય દિવસનો અનુભવ કર્યો જ્યારે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સારંગ’ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને ‘આકાશગંગા’ સ્કાયડાઇવિંગ ટીમે આકાશમાં અદ્ભુત કરતબો રજૂ કરીને લોકોના હૃદય જીતી લીધાં. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA), ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ (BCC) તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયી એર શો તથા પેરાશૂટ જમ્પિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ નર્મદા કિનારે આવેલા વિશાળ મેદાનમાં હજારોની સંખ્યામાં નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. સારંગ ટીમના ચાર અદ્યતન ધ્રુવ હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ અને સમન્વયનું જીવંત પ્રદર્શન કર્યું. ઊલટા ઉડાન, લૂપ, રોલ તથા નજીકથી પસાર થવાના કરતબોએ દર્શકોની વાહ-વાહ ખેંચી લીધી. ત્યારબાદ આકાશગંગા ટીમના છ મહિલા-પુરુષ પેરાટ્રૂપર્સે ૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી ફ્રી-ફોલ પછી પેરાશૂટ ખોલીને ચોક્કસ લેન્ડિંગ કર્યું. ત્રિરંગા ઝંડા સાથે આકાશમાંથી ઉતરતા જવાનોના દૃશ્યે દરેકની આંખો ભીની કરી દીધી અને દેશભક્તિના જ્વાર ઉભરાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત વાયુસેનાના વરિષ્ઠ અધિકારીએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, ભારતીય વાયુસેનામાં યુવાનો માટે પાઇલટ, ટેક્નિકલ તથા ગ્રાઉન્ડ ડ્યુટીમાં અસંખ્ય તકો છે. માત્ર સંકલ્પ અને લગન હોય તો આકાશ પણ નાનું પડી જાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાધનમાં દેશસેવા, શિસ્ત તથા વાયુસેના પ્રતેની કારકિર્દીની પ્રેરણા જગાવવાનો હતો. ભરૂચના નાગરિકોએ આ અદ્ભુત આયોજન માટે BDMA, BCC તથા જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો. આવો શો અમે પહેલી વાર જોયો, બાળકોની આંખોમાં ચમક આવી ગઈ છે,એમ એક વાલીએ જણાવ્યું. વિદ્યાર્થીઓએ પણ ભારત માતા કી જય અને વન્દે માતરમ ના નારા લગાવીને વાયુસેનાને સલામ કરી હતી. આ ઐતિહાસિક એર શોએ ભરૂચના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે.



