GUJARATKUTCHMUNDRA

ડિજિટલ ઇન્ડિયાના ફારસ વચ્ચે ટેટ પરીક્ષાર્થીઓની ‘સફર’ બની ‘સજા’ : પ્રાઈવેટ કંપની જાગી પણ શિક્ષણ વિભાગની આંખ ક્યારે ખૂલશે?

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ડિજિટલ ઇન્ડિયાના ફારસ વચ્ચે ટેટ પરીક્ષાર્થીઓની ‘સફર’ બની ‘સજા’ : પ્રાઈવેટ કંપની જાગી પણ શિક્ષણ વિભાગની આંખ ક્યારે ખૂલશે?

 

રતાડીયા,તા.22: રાજ્યમાં શિક્ષક બનવા માટેની ટેટ પરીક્ષામાં વ્યવસ્થાના નામે જે ધાંધિયા જોવા મળ્યા છે તેણે હજારો પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જગાડ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ફાળવવામાં આવેલા કેન્દ્રો એવી અવાવરુ જગ્યાએ હતા કે જ્યાં સીધી બસની કોઈ સુવિધા જ નહોતી. અન્ય જિલ્લાઓમાંથી આવેલા અને અમદાવાદના ભૌગોલિક વિસ્તારથી સાવ અજાણ એવા અંદાજે 11,000 જેટલા વિદ્યાર્થીઓને છેક 15 કિલોમીટર દૂર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય નજીક હોવાથી અને સમયસર પહોંચવાના ટેન્શનમાં મુકાયેલા પરીક્ષાર્થીઓએ મજબૂરીમાં ખાનગી વાહન વ્યવહારનો આશરો લેવો પડ્યો હતો જ્યાં ટેકનોલોજીના ઓઠા હેઠળ પણ માનવતા નેવે મુકાઈ હોય તેવા કિસ્સા સામે આવ્યા છે.

ખાસ કરીને અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા આવેલી મહિલા પરીક્ષાર્થીઓની મજબૂરીનો ઓલા ટેક્સીના ડ્રાઈવરોએ ઉઘાડી લૂંટ ચલાવીને ગેરલાભ ઉઠાવ્યો હતો. એપ પર રાઈડ બુક કરાવતી વખતે ભાડું 250 નક્કી થયું હોવા છતાં અજાણ્યા રસ્તા અને પરીક્ષાના સમયની મજબૂરી જોઈ ડ્રાઈવરે નક્કી થયેલા ભાડા કરતા 100 વધારાના વસૂલી કુલ 350 પડાવી લીધા હતા. જોકે આ કિસ્સામાં ચોંકાવનારી બાબત એ રહી કે જે સરકારી તંત્રએ વિદ્યાર્થીઓને રઝળતા મૂક્યા તેના કરતા ખાનગી કંપની વધુ જાગૃત સાબિત થઈ. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીએ ઓલા કંપનીની વેબસાઈટ પર આ લૂંટ અંગે ફરિયાદ કરી ત્યારે કંપનીએ ગણતરીની કલાકમાં જ પ્રતિસાદ આપી ડ્રાઈવર દ્વારા વસૂલવામાં આવેલા વધારાના 100 ના બદલે 200 નું રિફંડ કુપન સ્વરૂપે પરત આપી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ વાલીઓ અને શિક્ષણવિદોમાં તીખો સવાલ ઉઠી રહ્યો છે કે જો પ્રાઈવેટ સેક્ટરના સામાન્ય કર્મચારીઓ કે કંપનીઓ આટલી ઝડપથી ભૂલ સુધારી શકતી હોય તો કરોડોના બજેટ અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતું શિક્ષણ વિભાગ કેમ નિંભર બનીને બેઠું છે? આજકાલ નાનામાં નાની દુકાનના ઉદ્ઘાટનની કંકોતરીમાં પણ ગૂગલ મેપના ક્યુ આર કોડ અને લોકેશનની વિગતો હોય છે ત્યારે હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટેના નકશા કે માર્ગદર્શનનો ઉલ્લેખ ન કરવો એ તંત્રની આળસ છે કે પછી સ્થાનિક રિક્ષાચાલકોની કમાણી કરાવી આપવાની કોઈ છૂપી ગોઠવણ? હોલ ટિકિટમાં વણમાગી સલાહ સૂચનો માટે આખું પાનું બગાડતું તંત્ર શું વિદ્યાર્થીઓની સુવિધા માટે લોકેશનની વિગત ધરાવતું એક વધારાનું પેજ ન આપી શકે?

વાલીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે સરકાર ભલે ડિજિટલાઈઝેશનની વાતો કરે પણ વાસ્તવિકતામાં હોલ ટિકિટમાં લોકેશન જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ તંત્રની સંવેદનહીનતા છતી કરે છે. વળી ખાનગી કંપનીએ આપેલું રિફંડ કુપન પણ કચ્છ જેવા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તો નિરર્થક છે કારણ કે ત્યાં ઓલાની સેવા જ ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં શિક્ષણ વિભાગે ભવિષ્યની પરીક્ષાઓમાં હોલ ટિકિટમાં જ કેન્દ્રના લોકેશન અને માર્ગદર્શનનો ઉલ્લેખ કરવો જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો ડિજિટલ યુગમાં પણ વિદ્યાર્થીઓને રસ્તા શોધવા માટે લૂંટાવું પડતું હોય તો આવા આયોજનનો કોઈ અર્થ રહેતો નથી. એની જગ્યાએ સ્થાનિકે જ પરીક્ષા કેન્દ્ર આપી દેવું જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.

 

 

Ola CC

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!