
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની વઘઈ પોલીસની ટીમે ૨૮ વર્ષ જૂના અપહરણ અને સરકારી કર્મચારી પર હુમલાના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. વી. કે.ગઢવીની ટીમે વેશ પલટો કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધો છે.આ કેસની વિગત મુજબ, ૧૧ જુલાઈ ૧૯૯૭ના રોજ વઘઈ આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા તત્કાલિન આર.ટી.ઓ. અધિકારી એ.એસ. ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી હતી. તેઓ જ્યારે વઘઈ સર્કલ પાસે પોતાની ફરજ પર હતા, ત્યારે લક્ઝરી બસ (નંબર MH-12-Q-711) ના પેસેન્જરો અને ચાલકોએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓએ સરકારી કર્મચારી સાથે ગાળાગાળી કરી, તેમને માર મારી ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપીઓએ અધિકારીનું અપહરણ કરી તેમને બસમાં બેસાડી દીધા હતા અને છેક મહારાષ્ટ્રની હદમાં નાસિક નજીક ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા.આ ગુનામાં અગાઉ સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય આરોપી લક્ષ્મણભાઇ મહાદુભાઇ ખતાડે (રહે. અહેમદનગર, મહારાષ્ટ્ર) છેલ્લા ૨૮ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા આ જૂના કેસોના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી અને વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી લક્ષ્મણ હાલ મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.બાતમીના આધારે વઘઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટની આગેવાનીમાં એક ટીમ પુણે મોકલવામાં આવી હતી. આરોપીને પકડવા માટે પોલીસે રિક્ષા ચાલક બનીને વેશ પલટો કર્યો હતો અને વોચ ગોઠવી હતી. અંતે પુણેના લોહગાવ વિસ્તારમાંથી આરોપી લક્ષ્મણ ખતાડેને ઝડપી પાડી ૨૮ વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વઘઈ પોલીસની આ કામગીરીની જિલ્લાભરમાં પ્રશંસા થઈ રહી છે..




