
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નખત્રાણામાં તોતિંગ વાહનોના કારણે થતા અકસ્માતો રોકવા ઉગ્ર રજૂઆત: ભારે વાહનો માટે ‘નો એન્ટ્રી’નો સમય નક્કી કરવા માંગ
મુંદરા,તા.1: નખત્રાણા શહેરમાં દિવસેને દિવસે વધતા જતા ટ્રાફિક અને તોતિંગ વાહનોના કારણે નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. ગઈકાલે નખત્રાણાના વથાણ વિસ્તારમાં બનેલી એક કરુણ ઘટનામાં 32 વર્ષીય હીરાભાઈ બુધાભાઈ રબારીનું ટ્રેલર નીચે આવી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગેવાનો દ્વારા તંત્રને જગાડવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
નખત્રાણાના સામાજિક આગેવાનોએ નાયબ કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ, ડી.વાય.એસ.પી. તેમજ નખત્રાણા પી.આઈ.ને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે શહેરમાં વધતા ટ્રાફિકને જોતા મોટા વાહનોના પ્રવેશ માટે ચોક્કસ સમય નક્કી કરવો અનિવાર્ય છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારે વાહનોને માત્ર રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી જ શહેરમાં પ્રવેશ આપવો જોઈએ જેથી દિવસના સમયે અકસ્માતની સંભાવના ઘટાડી શકાય.
બાયપાસની કામગીરીમાં વિલંબ સામે સવાલ
સ્થાનિક અગ્રણીઓ લક્ષ્મણભાઈ વાઘેલા, મઘાભાઈ મારવાડા, જલાભાઈ રબારી, મુસાભાઈ કુંભાર તેમજ નવાનગર અને આંબેડકર કોલોનીની મહિલાઓએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે કે છેલ્લા બે વર્ષથી બાયપાસની પ્રક્રિયા કેમ લટકેલી છે? જ્યાં સુધી બાયપાસ ન બને ત્યાં સુધી શું નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા રહેવું પડશે? તંત્ર દ્વારા બાયપાસની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
માત્ર મોટા વાહનો જ નહીં પરંતુ રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનો અને ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લાઓને પણ દૂર કરવા રજૂઆત કરાઈ છે. જો તંત્ર દ્વારા વહેલી તકે વચલો રસ્તો કાઢીને વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલનાત્મક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



