THARADVAV-THARAD

થરાદની મેઈન કેનાલમાં સેફ્ટી વિના લેબરોને ઉતારવાનો ગંભીર મુદ્દો, અકસ્માત થાય તો જવાબદાર કોણ?

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ તાલુકાની મેઈન કેનાલમાં નાગલા થી વાવ રોડ કેનાલ પુલ વચ્ચે તૂટેલા ડિવાઈડરના રિનોવેશનનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કામ કરાવતી કંપની દ્વારા લેબરોને કામગીરી માટે મુકવામાં આવ્યા છે, પરંતુ આ કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કામના કોન્ટ્રાક્ટર મહેશભાઈ ગોસન દ્વારા બારના લેબરોને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના મોટી અને ઊંડી મેઈન કેનાલમાં ઉતારવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. કેનાલમાં પાણી વચ્ચે કામ કરાવતા સમયે લેબરોને સેફ્ટી કીટ, લાઈફ જેકેટ, દોરડા કે અન્ય કોઈપણ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા નથી, જે તેમની જિંદગી સાથે સીધો ખતરો ઊભો કરે છે.

સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે કે જો આવી પરિસ્થિતિમાં કોઈ અકસ્માત કે જાનહાની થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું આ માટે નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓ જવાબદાર રહેશે કે પછી કામ કરાવનાર કોન્ટ્રાક્ટર પોતાની જવાબદારી સ્વીકારશે? સરકારી કામોમાં લેબર સેફ્ટી અંગે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા હોવા છતાં તેનું પાલન થતું ન હોવું ગંભીર બાબત માનવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે. સાથે જ કામ દરમિયાન યોગ્ય સેફ્ટી સાધનો ફરજિયાત કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ લેબરની જાન જોખમમાં ન મુકાય.

Back to top button
error: Content is protected !!