Rajkot: પી.જી.વી.સી.એલ.ની પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ ચોમાસા પૂર્વે વીજ તંત્રનું આગોતરું આયોજન : રાજકોટ ગ્રામ્યમાં રૂ. ૩૬૦ લાખના ખર્ચે ટેકનિકલ માળખાનું મજબૂતીકરણ

તા.૨૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
૧,૩૮૩ ફીડરો અને ૨૭,૩૨૪ કિ.મી.ની વીજ લાઈનોનું સમારકામ પૂર્ણ : આકસ્મિક સ્થિતિ માટે ૩,૩૬૯ વીજ થાંભલા અનામત
– ૭૪૦ કિલોમીટરથી વધુ લંબાઈના MVCC વાયરો બદલવામાં આવ્યા
– ૨૦ ઇમરજન્સી ટીમનું ગઠન અને ૦૧ જૂનથી ૨૪x૭ કંટ્રોલ રૂમ કાર્યરત
Rajkot: રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ) પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વીજ માળખાને સુસજ્જ અને મજબૂત બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ હાલ કુલ ૦૫ વિભાગીય કચેરીઓ અને તેની અંતર્ગત ૩૨ પેટા વિભાગીય કચેરીઓ રાત-દિવસ કાર્યરત રહીને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.


રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર શ્રી જે. બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૫૭૫ ગામો અને આજુબાજુના અન્ય જિલ્લાઓના ૪૯ ગામો મળીને કુલ ૬૨૪ ગામોને વીજ વિતરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ચોમાસા દરમિયાન વાવાઝોડા કે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો કોઈ ક્ષતિ સર્જાય તો તેનું ત્વરિત નિવારણ લાવી શકાય તે માટે પદ્ધતિસરનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.


૧,૩૮૩ ફીડરોનું સમારકામ
ચોમાસાના સંભવિત પડકારોને પહોંચી વળવા માટે ગત તા. ૦૧ એપ્રિલથી જ સઘન આયોજન હાથ ધરીને વીજ લાઈનો અને ફીડરોના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ્યોતિગ્રામ યોજના હેઠળના ૩૦૫ ફીડર, શહેરી વિસ્તારના ૮૬ ફીડર, ઇન્ડસ્ટ્રીયલ/જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૪૪ ફીડર તેમજ ખેડૂતો માટે ખેતીવાડી વિસ્તારમાં ૭૪૮ ફીડર મળીને કુલ ૧,૩૮૩ ફીડરોનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રૂ. ૩૬૦ લાખના ખર્ચે ટેકનિકલ માળખાનું સુદ્રઢીકરણ
આ જાળવણી અને સમારકામ અંતર્ગત ટેકનિકલ માળખાને મજબૂતી આપવામાં આવી છે. જેમાં અંદાજિત રૂ. ૩૬૦ લાખના ખર્ચે કુલ ૧૧ કે.વી. ક્ષમતાની ૨૭,૩૨૪ કિલોમીટર લાંબી વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યું છે, તેમજ ૮૯,૮૮૧ વીજ ટ્રાન્સફોર્મરની ચકાસણી કરી તેને ભારે વરસાદ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વીજ લાઈનો પર શોર્ટ સર્કિટના જોખમો નિવારવા માટે કુલ ૧૦૪ ફીડરોમાં ૭૪૦ કિલોમીટરથી વધુ લંબાઈના MVCC (Medium Voltage Covered Conductor) વાયરો બદલવામાં આવ્યા છે.
આકસ્મિક પરિસ્થિતિ માટે સામગ્રીનો પૂરતો સ્ટોક
ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિના સમયે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો અગાઉથી જ સંગ્રહિત કરી લેવામાં આવ્યો છે. ૨૩૬ સ્થળો પર કુલ ૩,૩૬૯ નંગ વીજ થાંભલાઓનો પૂરતો જથ્થો પહેલેથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે. આ સાથે જ, કોઈપણ ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મરને તુરંત બદલી શકાય તે માટે બફર સ્ટોક રાખવામાં આવ્યો છે, જ્યાં હાલ વિવિધ ક્ષમતાના કુલ ૮,૫૧૦ નંગ વીજ ટ્રાન્સફોર્મર આકસ્મિક ઉપયોગ માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
૨૪x૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ઈમરજન્સી ટીમ
આપત્તિ વ્યવસ્થાપનને વધુ સચોટ અને ગતિશીલ બનાવવા માટે માનવબળનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દરેક ડિવિઝન દીઠ ૦૪ મળીને કુલ ૨૦ ઈમરજન્સી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે ચોમાસા દરમિયાન ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત, નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે આગામી તા. ૦૧ જૂનથી પી.જી.વી.સી.એલ. રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી ખાતે ૨૪x૭ કાર્યરત રહે તેવું ‘ઈમરજન્સી ઓપરેશન સેન્ટર’ શરૂ કરવામાં આવશે. આમ, ગુજરાત સરકારનું પી.જી.વી.સી.એલ. તંત્ર ચોમાસા દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા સજ્જ છે.




