GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા ખોડલધામ સેવા સમિતિ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો

મહીસાગર જિલ્લા ખોડલધામ સેવા સમિતિ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લા ખોડલધામ સેવા સમિતિ દ્વારા લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લેઉવા પટેલ સમાજ નો સ્નેહમિલન તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ગાય સંવર્ધન મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષા કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષનરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થતિ રહયા હતા.

કાર્યક્રમ દરમિયાન લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓ, જેમણે ક્લાસ ૧, ૨ અને ૩ ની પરીક્ષાઓમાં સફળતા મેળવી છે, તેમનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સમાજમાં દીર્ઘકાળ સુધી સેવા આપી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. અધ્યક્ષ સ્થાનેથી નરેશભાઈ પટેલે સમાજમાં શિક્ષણ અને સંગઠનનું મહત્વ સમજાવી સૌને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્ય મહેમાન પદેથી સંબોધતા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નરેશભાઈ અને ખોડલધામની ટીમ દ્વારા સમાજ ઉત્થાન માટે થઈ રહેલા કાર્યો અભિનંદનીય છે. તેમણે ઉમેર્યું કે, “સમાજે અમને જે પ્રતિનિધિત્વ સોંપ્યું છે, તેના બળે અમે રાજ્યના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છીએ. નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર હંમેશા સમાજની પડખે છે.” તેમણે નિવૃત્ત કર્મચારીઓને પોતાની કુશળતાનો ઉપયોગ સમાજસેવામાં કરવા પણ આહ્વાન કર્યું હતું.

રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાના ઉદ્બોધનમાં નરેશભાઈ પટેલની સેવાકીય દ્રષ્ટિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ખોડલધામ દ્વારા રાજકોટ પાસે નિર્માણ પામનારી ૩૦૦ બેડની અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ એ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વધતા જતા કેન્સરના રોગ સામે આ હોસ્પિટલ સામાન્ય માણસને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનું માધ્યમ બનશે. તેમણે માં ખોડલના આશીર્વાદથી ચાલતી આ સેવાકીય જ્યોતને વધુ પ્રજ્વલિત રાખવા બદલ સમિતિનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, વિવિધ જિલ્લાના ખોડલધામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ, સભ્યો તેમજ મહીસાગર જિલ્લાના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌએ સમાજની એકતા અને વિકાસ માટેના સંકલ્પો દોહરાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!