
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાની પોલીસ દ્વારા ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વઘઇ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલી એક સગીર વયની દીકરીને ગણતરીના કલાકોમાં સુરક્ષિત શોધી કાઢી, તેનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુનઃમિલાન કરાવ્યું છે.મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરી કોઈ કારણોસર પોતાના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગઈ હતી. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં દીકરીનો પત્તો ન લાગતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બાબતની જાણ વઘઇ પોલીસને કરવામાં આવતા વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં ગુમ થયેલ કે અપહરણ થયેલ વ્યક્તિઓના કેસમાં સંવેદનશીલ બની તાત્કાલિક તપાસ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરી (આહવા વિભાગ) ના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી એ અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી.પોલીસે આધુનિક ટેકનોલોજી (ટેકનિકલ સોર્સ) અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે સગીરા ઘોઘલપાડા ખાતે છે.આ હકીકત મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરાનો સંપર્ક કર્યો હતો.સગીરા મળી આવ્યા બાદ વઘઇ પોલીસ દ્વારા તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેથી તેની માનસિક સ્થિતિ સમજી શકાય. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સગીરાને વઘઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરિવારને સોંપવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં પોતાની વ્હાલસોયી દીકરી પરત મળતા પરિવારે ડાંગનાં વઘઇ પોલીસની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો..




