
મહીસાગર જિલ્લામાં ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલની ભરતી
***
અમીન કોઠારી, મહીસાગર
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડા દ્વારા કાર્યરત લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ સિસ્ટમ સેન્ટર (LADC) ખાતે ‘ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ’ ની કુલ ૧ જગ્યા માટે ૦૨ વર્ષના કરાર આધારિત નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજદાર પાસે ફોજદારી કાયદા (Criminal Law) નો ઓછામાં ઓછો ૧૦ વર્ષનો પ્રેક્ટિસનો અનુભવ અને સેશન્સ કોર્ટમાં ઓછામાં ઓછા ૩૦ ફોજદારી ટ્રાયલ ચલાવેલ હોવા જોઈએ. આ ઉપરાંત, પસંદગી પામેલ ઉમેદવાર ચીફ એલ.એ.ડી.સી. તરીકેની સેવા દરમિયાન ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં અને તેઓએ સ્કીમની માર્ગદર્શિકા મુજબ ‘કોડ ઓફ એથિક્સ’નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા વકીલશ્રીઓએ નિયત નમૂનામાં અરજી ફોર્મ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગરની કચેરીએથી અથવા જિલ્લા અદાલતની સત્તાવાર વેબસાઇટ https://mahisagar.dcourts.gov.in પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનું રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજી ફોર્મ તમામ જરૂરી દસ્તાવેજો સાથે તા. ૧૨/૦૧/૨૦૨૬ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની કચેરીએ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલી અથવા અધૂરી વિગતો વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી.


