GUJARATTHARADVAV-THARAD

થરાદમાં ગરીબ દલિત પરિવારનું રહેઠાણ છીનવાવાની ભીતિ, કલેક્ટરને કરુણ રજૂઆત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં એક ગરીબ અને ભૂમિહીન દલિત પરિવાર પરથી રહેઠાણ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. થરાદ-ડીસા હાઈવે પર આવેલા જુના હેલિપેડ આઈ.ટી.આઈ.ની બાજુમાં વર્ષોથી ઝૂંપડું બાંધીને જીવન ગુજારતા મલુપુર ગામના એક પરિવારે પોતાનો આશરો બચાવવા તેમજ વૈકલ્પિક પ્લોટ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને કરુણ રજૂઆત કરી છે.

મલુપુર ગામના વતની હડીયલ પ્રભુભાઈ ભેમાભાઈ (ઉંમર ૪૦) એ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ બાપ-દાદાના સમયથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અત્યંત ગરીબ અને ભૂમિહીન એવા આ પરિવાર પાસે રહેવા માટે પોતાનું કોઈ મકાન કે પ્લોટ નથી.

તાજેતરમાં તંત્ર દ્વારા આ જગ્યા ખાલી કરવાની નોટિસ મળતા પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. અરજદારે જણાવ્યું છે કે હાલ શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી છે. આવા સંજોગોમાં જો રહેઠાણ દૂર કરવામાં આવે, તો નાના બાળકો, ઢોર-ઢાખર અને ઘરવખરી સાથે તેઓ ક્યાં જશે તે મોટો માનવીય પ્રશ્ન ઊભો થયો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરજદારે સરકારની ‘મફત પ્લોટ યોજના’ હેઠળ રહેવા માટે યોગ્ય જગ્યા ફાળવવા તેમજ પ્લોટ સાથે મકાન બાંધકામ માટેની સહાય મંજૂર કરવાની માંગ કરી છે. આ બાબતે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપરાંત નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.) અને તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.)ને પણ લેખિત રજૂઆત કરી છે.

પછાત વર્ગના અને અત્યંત લાચાર એવા આ પરિવારને વહેલી તકે સરકારી આશરો મળે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!