AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ઐતિહાસિક ‘ઉલગુલાન’ આંદોલનની ૧૨૬મી વર્ષગાંઠ નિમિત્તે ત્રણેય તાલુકાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર ૨૪ ડિસેમ્બર ૧૮૯૯ થી ૯ જાન્યુઆરી ૧૯૦૦ દરમિયાન ભગવાન બિરસા મુંડા દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક ‘ઉલગુલાન’ (મહા-વિદ્રોહ) આંદોલનના એલાનને આ વર્ષે ૧૨૬ વર્ષ પૂર્ણ થયા છે.આ નિમિત્તે ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સુબીર એમ ત્રણેય તાલુકાઓમાં ‘ક્રાંતિકારી યુવા સંગઠન’ અને ‘ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઈઝેશન’ (AIDYO) – ડાંગ યુનિટ દ્વારા ભવ્ય ઉજવણી અને પુષ્પાંજલિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ૭ જાન્યુઆરીના રોજ વઘઈ ખાતે કરવામાં આવી હતી. જ્યાં સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને આદિવાસી અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે “ઉલગુલાનના મહાનાયક બિરસા મુંડા અમર રહો” ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૮ જાન્યુઆરીએ મુખ્ય મથક આહવા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પણ અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી અને વક્તાઓએ બિરસા મુંડાના જીવન અને આદિવાસી સમાજ માટેના તેમના સંઘર્ષ પર પ્રકાશ પાડ્યો હતો.૯ જાન્યુઆરી એટલે કે ‘ઉલગુલાન દિવસ’ ના રોજ સુબીર ખાતેના બિરસા મુંડા સર્કલ પર મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા.આ અવસરે વક્તાઓએ જણાવ્યું હતું કે, બિરસા મુંડાએ જળ, જમીન અને જંગલના રક્ષણ માટે જે લડાઈ લડી હતી તે આજે પણ પ્રાસંગિક છે. યુવાનોએ આ ક્રાંતિકારી વારસાને આગળ ધપાવવાના શપથ લીધા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ક્રાંતિકારી યુવા સંગઠન અને AIDYO – ડાંગ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને મોટી સંખ્યામાં જાગૃત યુવાનો જોડાયા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ આદિવાસી સંસ્કૃતિના રક્ષણ અને હકો માટે એકજૂથ થવા આહવાન કર્યું હતુ..

Back to top button
error: Content is protected !!