Rajkot: મોજશોખ કે સ્ટ્રેસ દૂર કરવા નશો કરવો ભવિષ્ય માટે હાનિકારક બની શકેઃ ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા

તા.૨૫/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો
Rajkot: યુવા વિદ્યાર્થીઓ મોજશોખ કે સ્ટ્રેસ દૂર કરવા માટે નશાકારક પદાર્થનો ઉપયોગ કરે છે. જે શરૂઆતમાં સારું લાગે છે પરંતુ, ભવિષ્યમાં તેની આદત ખૂબ જ નુકસાનકારક હોવાનું ડી.સી.પી. ક્રાઈમ શ્રી જગદીશ બાંગરવાએ આજરોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે આયોજિત સેમિનારમાં જણાવ્યું હતું.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા શ્રી સરદાર પટેલ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે યુવા પેઢીને વ્યસનોની ગંભીર અસરોથી વાકેફ કરવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે વ્યસન મુક્તિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડી.સી.પી. શ્રી બાંગરવાએ યુવાનોને મેન્ટલ હેલ્થના ભોગે ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોના વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સમાં એન્ટ્રી લેવી સહેલી છે, પરંતુ તે ડેડ સર્કલમાંથી બહાર નીકળવું અતિ કઠિન છે. ડ્રગ્સની આદત બહુ દર્દનાક હોય છે, જે પરિવારને પણ બહુ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. વધુમાં શ્રી બાંગરવાએ નશા કરતા લોકોના લક્ષણો જણાવી તેવી વ્યક્તિ અને તેમના પરિવારજનોની મદદ કરવા પણ જણાવ્યું હતું.

આ તકે અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, રાજકોટ શ્રી એ.ટી. રાઠોડે નશાકારક પદાર્થના વ્યસનથી દૂર રહેવા તેમજ ડ્રગ્સના દુષણ સામે યુવાનો આગળ આવે તેવી શીખ આપી હતી. જ્યારે એસ.ઓ.જી.ના પી.આઈ. શ્રી એમ.બી. ચૌધરીએ ડ્રગ્સ વેચાણ ગંભીર ગુનો હોવાનું જણાવી વેચાણકર્તા વિરુદ્ધ સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
શ્રી સરદાર પટેલ હોમિયોપેથીક મેડિકલ કોલેજના છાત્રો દ્વારા માઇમ અને નાટકના માધ્યમથી યુવાઓને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે અસરકારક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. વધુમાં કોલેજ ખાતે જનજાગૃતિ પાઠવતા પોસ્ટર અને મોડેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગના ચીફ ઓફિસર શ્રી ડૉ. મિલનભાઈ પંડિત, નશાબંધી નિયોજક શ્રી શાંતિલાલ ચાંપાનુરા, નશાબંધી અને આબકારી વિભાગના પી.આઈ. શ્રી હરદેવસિંહ ગોહિલ, પી.એસ.આઈ. શ્રી ડી.બી. ગઢવી, એસ.ઓ.જી.ના પી.આઈ. શ્રી વિજય ધ્રાંગુ સહિત કોલેજના આચાર્યશ્રી અમિતભાઈ જોશી, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



