GONDALRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ તાલુકામાં કલેક્ટર શ્રી ડૉ. ઓમપ્રકાશની ઉપસ્થિતિમાં ભૂલકાંઓએ શિક્ષણના આંગણે ‘પા પા પગલી’ માંડી

તા.૨૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આંગણવાડીમાં ૧૩, બાલવાટિકામાં ૪૦, ધોરણ ૧માં ૦૪ અને ધોરણ ૯માં ૩૮ મળીને કુલ ૯૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો

સ્કુલ ડ્રોપ આઉટ બાળકોને પુનઃ પ્રવેશ કરાવીને શિક્ષણની મુખ્ય ધારામાં જોડ્યા

બાળકોના પ્રગતિ અહેવાલ અંગે વાલીઓ સાથે સંવાદ સાધવા શિક્ષકોને માર્ગદર્શન આપ્યું

Rajkot, Gondal: ગુજરાતભરમાં આજથી ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની શેમળા ગામની પ્રાથમિક શાળા અને સીમ શાળા, ભુણાવા પ્રાથમિક શાળા તેમજ મોટા મહિકાની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમપ્રકાશની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ પરંપરાગત સામૈયું કરીને કલેક્ટરશ્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કલેક્ટરશ્રીના હસ્તે બાળાઓને કુમકુમ પગલાં કરાવીને તેમનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભૂલકાંઓએ જ્યારે શિક્ષણના આંગણે ‘પા પા પગલી’ માંડી, ત્યારે સમગ્ર વાતાવરણ ઉત્સાહથી છલકાઈ ગયું હતું.

આ અવસરે આંગણવાડીમાં ૧૩, બાલવાટિકામાં ૪૦, ધોરણ ૧માં ૦૪ અને ધોરણ ૯માં ૩૮ મળીને કુલ ૯૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. નોંધનીય છે કે, જે બાળકો અધવચ્ચેથી ભણવાનું છોડી ચૂક્યા હતા, તેમને પણ કલેક્ટરશ્રીના હસ્તે પુનઃ પ્રવેશ કરાવીને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા હતા. પ્રવેશ વિધિ બાદ મહાનુભાવોએ શાળા પરિસરમાં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રીએ બાળકોના સામાન્ય જ્ઞાનની ચકાસણી કરીને તેમની સાથે હળવી પળો માણી હતી. આ સાથે તેમણે શિક્ષકો અને વાલીઓ વચ્ચે જીવંત સંપર્ક હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, બાળકોના પ્રગતિ અહેવાલ અંગે વાલીઓ સાથે ‘વન-ટુ-વન’ સંવાદ સાધવો જરૂરી છે. આ માટે પેરેન્ટ્સ ટીચર મીટિંગ નિયમિત રીતે યોજાય અને એસ.એમ.સી.ના સભ્યો પણ શાળાના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે જરૂરી સૂચનો કરે તે અનિવાર્ય છે. આ સાથે વાલીઓને પણ પોતાના બાળકોના પોષણ પર ધ્યાન આપવા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘરે મહેનત કરાવવા અપીલ કરી હતી.

આ તકે ગોંડલ તાલુકાના મામલતદાર શ્રી ડોડીયાભાઈ, આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ શ્રી જોશીભાઈ અને શ્રમ અધિકારી શ્રી દિશાબેન કાનાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!