Rajkot: રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં આઈ.પી.એસ.શ્રી વલય વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬ ઉજવાયો

તા.૨૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot; રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ હેઠળ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજકોટ જિલ્લામાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે કોટડાસાંગાણી તાલુકાના થોરડી અને નવી મેંગણી ગામ ખાતે આઈ. પી. એસ. શ્રી વલય વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભૂલકાંઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.


વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા IPS શ્રી વલય વૈદ્ય એ એક અત્યંત પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા ઊંચો લક્ષ્યાંક રાખવાની સલાહ આપતાં ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, IAS, IPS કે આધુનિક સમયની માંગ એવા AI એન્જિનિયર બનવાની સલાહ આપી હતી. વાલીઓને માર્ગદર્શન આપતા તેમણે ઉમેર્યું હતું કે, બાળકોનો અભ્યાસ એ માતા-પિતા અને શિક્ષકોએ કરેલું એક શ્રેષ્ઠ રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) છે. જેનું ઉત્તમ પરિણામ ભવિષ્યમાં માત્ર વિદ્યાર્થીને જ નહીં, પરંતુ પરિવાર, શિક્ષકો અને સમગ્ર દેશને મળે છે.


થોરડી અને નવી મેંગણીની શાળામાં ગ્રામજનો અને દાતાઓના સહયોગથી શાળા પ્રવેશોત્સવને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો.

૧૨૦૦થી વધુની વસ્તી ધરાવતા થોરડી ગામની પ્રાથમિક શાળામાં આશરે ૧૫ જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં આંગણવાડીમાં ૨, બાલવાટિકામાં ૧૦ અને ધોરણ-૧માં ૫ વિદ્યાર્થીઓનું નામાંકન થયું હતું. શાળાના દાતા શ્રીમતી મનીષાબેન પારસભાઈ પારેખ દ્વારા ૧૪૦ સ્કૂલબેગ અને ભોજન સમારંભની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

નવી મેંગણી હાઇસ્કૂલ ખાતે કુલ ૭૪ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં આંગણવાડીના ૧૭, બાલવાટિકાના ૧૯, ધોરણ-૧ના ૩ અને ધોરણ-૯ના ૩૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળાના પૂર્વ શિક્ષક અને દાતા શ્રી ખીમજીભાઈ સખીયા દ્વારા તમામ પ્રવેશાર્થીઓ માટે સ્કૂલ કિટ અને ભોજનની વિશેષ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.


આ પ્રસંગે IPS શ્રી વલય વૈદ્યના હસ્તે શાળાના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓ તથા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતમાં, IPS અધિકારીશ્રી તથા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) ના સદસ્યો દ્વારા શાળાની માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા તથા શાળામાં વિદ્યાર્થીઓની નિયમિતતા જળવાઈ રહે તે માટે વાલીઓ અને સમિતિ સાથે સઘન ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું.




