RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં” વિકસિત રાજકોટની પ્રતીતિ કરાવતી ‘પ્રગતિપથ યાત્રા’માં પ્રદેશપ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જોડાયા

તા.૧૬/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ સહિત પદાધિકારીઓએ બસમાં મુસાફરી કરી એમ.સી.એચ. હોસ્પિટલ, સ્પોર્ટ્સ હોસ્ટેલની મુલાકાત લીધી

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના શાસનકાળમાં રાજકોટ જિલ્લામાં અનેકવિધ વિકાસ પ્રકલ્પો સાકાર થયા છે. આ વિકાસ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવા માટે આજે રાજકોટ મહાનગરમાં પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જેમાં પ્રદેશપ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવો જોડાયા હતા.

જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘પ્રગતિપથ યાત્રા’માં પ્રદેશપ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સૌપ્રથમ સૌરાષ્ટ્રની સૌથી મોટી મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓના આત્મીયભાવે ખબર-અંતર પૂછ્યા હતાં. વધુમાં દર્દીઓને મળતી સારવાર, સુવિધાઓની પણ પૃચ્છા કરી હતી અને હોસ્પિટલમાં તેઓને સારવાર-સુવિધા સરળ રીતે મળે છે તે સુનિશ્ચિત કર્યું હતું.

રાજકોટમાં જિલ્લા રમતગમત હસ્તકની સ્પોર્ટ્સ હોસ્ટેલની શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. અહીં સ્પોર્ટ્સની ટ્રેનિંગ લેતા બાળકોએ ઉમંગ સાથે મહાનુભાવોને આવકાર્યા હતા. શ્રી વિશ્વકર્માએ બાળકોને મળતી ખેલ સુવિધાઓ અને તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે બાળ-ખેલાડીઓ સાથે સંવાદ કરીને વાસ્તવિક સ્થિતિ જાણી હતી અને ખેલપ્રતિભાના વિકાસ માટે તેમને પૂરતી સગવડો મળતી હોવાની ખાતરી કરી હતી.

આ સ્થળ મુલાકાતમાં સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડૉ. મોનાલી માકડીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રાએ આનુસંગિક માહિતી પૂરી પાડી હતી.

આ યાત્રામાં મેયરશ્રી નેહલ શુક્લ, ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, અગ્રણીઓ સર્વેશ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ડૉ. માધવ દવે, ડે. મેયર શ્રી દક્ષાબેન વસાણી, શ્રી પરેશભાઈ પીપળીયા, શ્રી હિરેનભાઈ ખીમાણીયા, શ્રી સંજયસિંહ રાણા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીશ્રીઓ પ્રધાનમંત્રીશ્રીની ઇંધણ બચાવની અપીલને ધ્યાનમાં લઈ એક સાથે બસમાં જોડાયાં હતાં.

Back to top button
error: Content is protected !!