Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ જિલ્લામાં ૧૭ જૂને આઠ જેટલા સ્થળોએ જનકલ્યાણ શિબિરનું આયોજન

તા.૧૬/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે અપાશે
બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથડ, પેઢલા, પીપરડી, વેરાવળ તેમજ ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરોનું આયોજન
“૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિગમ અંતર્ગત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના નાગરિકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે, પાત્રતા ધરાવતા તમામ પ્રજાજનોને તેનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી રાજકોટ જિલ્લામાં તા.૧૨થી ૨૦ જૂન દરમિયાન વિવિધ તબક્કે ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે.
જે અંતર્ગત તા.૧૭ જૂનના રોજ બેડલા(કન્યા શાળા), ડુમિયાણી (માધ્યમિક શાળા), કમળાપુર (પારેવાળા પ્રાથમિક શાળા), કોલીથડ(કુમાર પ્રાથમિક શાળા), પેઢલા (લેઉવા પટેલ સમાજ કેરાળી), પીપરડી (અમરાપુર કન્યા શાળા), વેરાવળ (નવી કન્યા તાલુકા શાળા- વેરાવળ), અને ગોંડલ નગરપાલિકા (સર ભગવતસિંહજી ટાઉન હોલ, ગોંડલ) ખાતે શિબિરનું આયોજન કરાયું છે.
જનકલ્યાણ શિબિરો દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૧૫ જેટલી અગત્યની અને લોકાભિમુખ યોજનાઓ હેઠળ સ્થળ પર જ અરજીઓ સ્વીકારવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના વિભાગોની મુખ્ય યોજનાઓ આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. મા યોજના (નવી અરજી), પી.એમ. સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, વી.બી.જી. રામજી યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાનો સમાવેશ થાય છે.




