Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ

તા.૧૫/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટવાસીઓને મેદસ્વિતામુક્ત જીવનશૈલી અપનાવવાનો અનુરોધ કરતાં સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા
‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ના ભાગરૂપે રાજકોટ ખાતે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું, છેલ્લા ૧૨ વર્ષથી દેશ અને રાજ્યમાં વિકાસ અને જનકલ્યાણની જે સરવાણી વહી રહી છે, તેને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના માધ્યમથી વધુ સુદ્રઢ બનાવવા યોગ અનિવાર્ય છે. તેમજ તેમણે મેદસ્વિતામુક્ત જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું.

રાજકોટના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત સાધકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સત્તાવાર અભ્યાસક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, અગ્રણીશ્રી માધવભાઇ દવે તેમજ પૂર્વ કોર્પોરેટર અને હેલ્થ અવેરનેસ ગુજરાતના ચેરપર્સન ડો. દર્શનાબેન પંડ્યા સહિતના અગ્રણીશ્રીઓએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર વંદનાબેન રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા કો-ઓર્ડિનેટર મિતાબેન તેરૈયા, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેશભાઈ કાચા તથા દક્ષાબેન હિરપરા સહિત તમામ યોગ કોચ, ટ્રેનર્સ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.




