RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot; પ્રાકૃતિક ખેતી સમયની માંગ: રફાળા ગામે ૯૮થી વધુ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન

તા.૨૨/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રફાળા ખાતે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે ક્ષેત્રીય તાલીમ યોજાઈ

જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા કૃષિ વૈજ્ઞાનિકોનો અનુરોધ

Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત રાજકોટના રફાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગે ક્ષેત્રીય તાલીમ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રફાળા અને આજુબાજુના ગામોમાંથી ૯૮થી વધુ ખેડૂત ભાઈઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં કેવીકે, તરઘડીયાના વૈજ્ઞાનિક અને હેડ ડો. એમ. એમ. તળપદાએ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી થકી ખેતી ખર્ચ ઘટાડવા માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન વૈજ્ઞાનિક શ્રી ડો. એમ. એલ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને જમીનમાં સંતુલિત ખાતર વ્યવસ્થાપનની સમજ આપી, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. આ સાથે જ તેમણે રાસાયણિક જંતુનાશકો તેમજ કૃત્રિમ ખાતરોના ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર થતી ગંભીર અસરો વિશે ખેડૂતોને જાગૃત કર્યા હતા.

વૈજ્ઞાનિક શ્રી પ્રો. ડી. પી. સાનેપરાએ ખેતરમાં પાકના અવશેષોના વૈજ્ઞાનિક ઢબે વિઘટન કરવાની પદ્ધતિઓ સમજાવી હતી. તેમણે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી કેવી રીતે ટકાવી રાખવી અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી થતા આર્થિક તેમજ પાણીના બચાવના ફાયદાઓ વિશે ખેડૂતોને સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ લીધો હતો.

Back to top button
error: Content is protected !!