RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ તાલુકામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ”: બાળકોને શાળામાં આવકારતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા-બેટી અને સાયપર પ્રાથમિક શાળામાં મંત્રીશ્રીએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી આવકાર્યા

-: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા :-

ભૂતકાળની નળિયાવાળી શાળાઓ સામે આજે સરકારી શાળાઓ સ્માર્ટ સુવિધાઓથી સજ્જ

માતાના ગર્ભથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી દીકરીઓની ચિંતા કરતી રાજ્ય સરકાર

શિક્ષણની સાથે બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવું એ વાલીઓ અને શિક્ષકોની પણ જવાબદારી છે

Rajkot: ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ તાલુકામાં શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા- બેટી અને સાયપર પ્રાથમિક શાળા ખાતે “પ્રગતિનો પ્રવેશોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને શૈક્ષણિક કીટ આપી આવકાર્યા હતા.

આ અવસરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળની વિલાયતી કે દેશી નળિયાવાળી શાળાઓમાં વરસાદમાં પાણી ટપકતું હતું, તેની સરખામણીએ આજે રાજ્યની સરકારી શાળાઓમાં બાળકોને ભણવા માટે પાકા મકાન, લાઈટ, કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વર્ષ ૨૦૦૩થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કન્યા કેળવણી મહોત્સવનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘એ સમયે દીકરીઓના પ્રવેશ માટે બળદગાડા શણગારીને, ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે પ્રવેશ અપાતો હતો. સરકારના આ પ્રોત્સાહક પ્રયાસોના પરિણામે આજે શિક્ષણ ક્ષેત્રે આ પરિવર્તન આવ્યું છે. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ આ પ્રક્રિયા વેગવંતી બની છે.’

મંત્રીશ્રીએ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની સરકારશ્રીની નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આર્થિક ભારણના કારણે કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ. દીકરી ગર્ભમાં હોય ત્યારથી લઈને તેના મોટા થવા સુધી મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તેની કાળજી લેવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં દીકરીઓ અધવચ્ચેથી અભ્યાસ ન છોડે તે માટે સરકાર દ્વારા મફત પુસ્તકો, યુનિફોર્મ, સાયકલ સહાય, શિષ્યવૃત્તિ અને રહેવા-જમવાની મફત સુવિધા સાથેની ‘કસ્તુરબા બાલિકા વિદ્યાલય’ તેમજ મોડેલ શાળાઓ અને રેસિડેન્શિયલ શાળાઓ કાર્યરત કરવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો કે, બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથે ઘરમાં એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે. જેથી તેમનામાં ઉત્તમ સંસ્કારો અને ચારિત્ર્યનું ઘડતર થાય. શિક્ષણની સાથે સંસ્કારનું આ ભાથું દીકરા-દીકરીઓને જીવનભર માતા-પિતા અને સમાજનું નામ રોશન કરવામાં મદદરૂપ બનશે. તેમણે શિક્ષકોને પણ આહ્વાન કર્યું હતું કે, ‘કુવામાં હોય તે હવાડામાં આવે’ એ ઉક્તિ મુજબ પોતાના જ્ઞાનનો મહત્તમ લાભ બાળકોને આપી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે.

શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ ખાતે આંગણવાડીમાં કુલ ૧૩૭ વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં ૬૮ વિદ્યાર્થીઓ, ધો.૧માં ૨ વિદ્યાર્થીઓ, ધો.૯માં ૨૮૬ અને ધો. ૧૧માં ૧૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. સરકારી માધ્યમિક શાળા- બેટી ખાતે ધો. ૯માં ૩૩ વિદ્યાર્થીઓ, બેટી ગામ ખાતે આંગણવાડીમાં કુલ ૯ બાળકો, બાલવાટિકામાં ૧૬ અને ધો. ૧માં ૪ બાળકોને પ્રવેશ અપાયો. હિરાસર આંગણવાડીમાં ૪ અને બાલવાટિકામાં ૧ બાળકને પ્રવેશ અપાયો છે. જ્યારે સાયપર પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં ૧૬ અને આંગણવાડીમાં પણ ૧૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા પ્રાસંગિક પ્રવચનમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ શાળા ખાતે મહત્તમ હાજરી આપનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓ દ્વારા આકર્ષક સાંસ્કૃતિક ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત નાગરિકોને માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સરકારશ્રીની આ તકે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે આ તમામ શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધિઓની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જયાબેન ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોગ્રામ ઓફિસર શ્રી વી.બી. બસિયા, ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો સહિત પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ- વાલીઓ અને શિક્ષકો આ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!