
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : જેસીસ મિલ્ક કમિટીમાં બીજા દિવસે જલારામ બાપા કથા, વાલ્મિકી સમાજની દીકરીનું પૂજન અને સન્માન
મોડાસા જેસીસ મિલ્ક કમિટીની સુવર્ણ જયંતિ નિમિત્તે આયોજિત જલારામ બાપાની કથાના બીજા દિવસે સમગ્ર પંડાલ ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યો હતો. વ્યાસપીઠ પરથી મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ જલારામ બાપાના જીવનપ્રસંગોનું મનોહર વર્ણન કરીને ઉપસ્થિત ભક્તોને ભાવવિભોર કર્યા હતા.
મહંત એ જણાવ્યું કે, “જલારામ બાપાએ પહેલા જન્મમાં ભજન દ્વારા અને બીજા જન્મમાં ભોજન કરાવી પ્રભુભક્તિનો અદ્વિતીય માર્ગ બતાવ્યો. અતિથિઓ, વટે માર્ગો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવી ભગવાન શ્રીરામની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી. આજેય જલારામ બાપાના વંશજો ભક્તોને ભોજન કરાવવાની પરંપરા જાળવી રહ્યા છે, જેમાં ભોજન પણ ભક્તિનું સ્વરૂપ બની જાય છે.”
કથામાં જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા ચલાવવામાં આવતા માનવસેવાના કાર્યોની વિશેષ પ્રશંસા કરવામાં આવી. જલારામ બાપાના ભક્ત ભીખુભાઈ (બી.પી.) બામણીયા દ્વારા સામાજિક કાર્યકર નિલેશ જોશી સાથે મળીને ગામડે ગામડે જઈ નેત્ર નિદાન કેમ્પો યોજી મોતીયાના નિઃશુલ્ક ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે. આ સેવાભાવી કાર્ય બદલ કમિટીના ચેરમેન નવનીત પરીખ અને ટ્રસ્ટ દ્વારા ભીખુભાઈ બામણીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાલ્મિકી સમાજની દીકરીનું પૂજન કરી તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જે સામાજિક સમરસતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું. સાથે જ વણીયાદ ગામની મહિલા મંડળ તથા કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા રજૂ કરાયેલ ભજન-કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં ડૂબી ગયું હતું.કથા દરમિયાન સમગ્ર પંડાલમાં ભક્તિ, સેવા અને સંસ્કારનો સુમેળ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.





